લોકડાઉનના ભયે શ્રમિકોની મુંબઈથી વતન ભણી રવાના
મુંબઇ: કોરોનાની બીજી લહેર વધારે ઘાતક અને વિનાશક પૂરવાર થઈ રહી છે. આખા દેશમાં પહેલી વખત એક દિવસમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે.
સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં આકરા નિયંત્રણોના કારણે ગયા વર્ષ જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. આ સંજાેગોમાં પર પ્રાંતિય લોકો પોતાના ઘરે પાછા ફરવા માંડ્યા છે. મુંબઈથી ઉત્તર ભારત જતી ટ્રેનોમાં હાલમાં સીટ ના મળે તેવી સ્થિતિ છે. જાેકે રેલવે તરફથી સ્પેશ્યલ ટ્રેનો વધારવામાં આવી છે પણ ભીડ ઓછી થઈ રહી નથી.
હવે ઉત્તર ભારતના શ્રમિકોને ડર લાગી રહ્યો છે કે, જે રીતે નિયંત્રણો વધી રહ્યા છે તેના કારણે ગયા વર્ષ જેવી સ્થિતિ ના સર્જાય અને ફરી લોકડાઉન ના લાગી જાય. બીજી તરફ શ્રમિકોની હીજરતના કારણે ઉદ્યોગોના માલિકોના હોશ ઉડી ગયા છે. કારણકે જાે આ જ રીતે શ્રમિકો ઘરે પરત ફરવાનુ ચાલુ રાખશે તો તેની અસર પ્રોડક્શન અને સપ્લાય પર પડી શકે છે. કંપનીઓને તાળા મારવાનો પણ સમય આવી શકે છે અને ઉત્પાદન પ્રભાવિત થઈ શકે છે.