Western Times News

Gujarati News

૩-૪ વર્ષમાં ભારતીય સેનામાં એક લાખ સૈનિક ઓછા થશે

નવી દિલ્હી: ભારતીય સેનામાં આગામી ૩-૪ વર્ષમાં ૧ લાખ સૈનિક ઓછા થઈ જશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે આ લક્ષ્ય અંગે સંસદની સ્ટેન્ડિંગ કમિટીને જણાવ્યું. સ્ટેન્ડિંગ કમિટીમાં સીડીએસ જનરલ રાવતે કહ્યું કે, જ્યારે જનરલ વી પી મલિક આર્મી ચીફ હતા, ત્યારે તેમણે ૫૦ હજાર સૈનિક ઓછા કરવાનું વિચાર્યું હતું. અમારું લક્ષ્ય આગામી ત્રણથી ચાર વર્ષમાં લગભગ એક લાખ સૈનિકો ઓછા કરવાનું છે. જનરલ રાવતે કહ્યું કે, તેનાથી જે રૂપિયા બચશે, તેનો ઉપયોગ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે. સરકારે પણ સેનાને આ રૂપિયાનો ટેકનોલોજીમાં ઉપયોગ કરવાનું આશ્વાસન આપ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીનો રિપોર્ટ ગત મહિને સંસદમાં રજૂ કરાયો હતો.

ભારતીય સેનામાં રીસ્ટ્રક્ચરિંગની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં દિલ્હી સ્થિત આર્મી હેડક્વાર્ટરમાંથી પણ ઓફિસર્સ ઓછા કરી ફીલ્ડમાં મોકલવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીને સેનાના ‘ટૂથ ટુ ટેલ’ રેશિયો વિશે પણ જણાવાયું. ટૂથ ટુ ટેલ રેશિયો આર્મીની કાર્યવાહીઓમાં ભાગ લેનારા અને તેના માટે માલસામાન પહોંચાડતા સૈનિકો વચ્ચેના રેશિયોને કહેવામાં આવે છે.

જાે ટેલ એટલે કે સીધી સૈન્ય કાર્યવાહીમાં ભાગ ન લેનારા સૈનિકોની સંખ્યા વધુ હશે તો અસલ સૈન્ય કાર્યવાહીઓ માટે જરૂરી સૈનિકોની સંખ્યામાં ઘટાડો આવતો જશે. એટલે, જાે સૈન્ય કાર્યવાહીઓ માટે જરૂરી સૈનિકોની સંખ્યા રાખવી હશે તો ટેલમાં ઘટાડો કરવો પડશે. ટૂથ ટુ ટેલ રેશિયોને કઈ રીતે ઓછો કરવામાં આવશે, સ્ટેન્ડિંગ કમિટીએ આ સવાલ પર સીડીએસને મૌખિક જવાબમાં જણાવ્યું કે, ૩-૪ વર્ષમાં લગભગ એક લાખ સૈનિકો ઓછા કરવાનું લક્ષ્ય છે. આ સતત ચાલનારી પ્રક્રિયા છે.

હાલમાં ભારતીય સેનામાં લગભગ ૧૪ લાખ સૈનિકો છે. સીડીએસએ સ્ટેન્ડિંગ કમિટીને જણાવ્યું કે, અમે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા પર ભાર આપી રહ્યા છીએ. અમે વધુ પાયદળ (ઈન્ફ્રેન્ટ્રી સૈનિકો) પર ફોકસ કરી રહ્યા છીએ, તે જ અસલમાં બોર્ડરની દેખરેખ કરે છે. અમારી પ્રાથમિકતા તેમને આધુનિક રાઈફલ આપવાની છે. અમે તેમને આધુનિક સર્વેલન્સ સિસ્ટમ આપવા ઈચ્છીએ છીએ, અમે તેમને વધુ સક્ષમ બનાવવા માટે વધુ ટેકનિક આપવા ઈચ્છીએ છીએ. સીડીએસએ કહ્યું કે,

અમે અમારી લોજિસ્ટિક ટેલને ઓછી કરવા માટે આઈબીજી (ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ) કોન્સેપ્ટ પર જઈ રહ્યા છીએ. ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ નાની-નાની ટુકડીઓમાં હશે, જેમાં યુદ્ધ કરવાની ક્ષમતા હશે, પરંતુ તેમની લોજિસ્ટિક ટેલ નાની કરી દેવાશે. લોજિસ્ટિક ટેલને ઓછી કરવા માટે અમે તને આઉટસોર્સ કરી દઈશું. સીડીએસે સ્ટેન્ડિંગ કમિટીનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, જે કંપનીની ગાડી ભારતીય સેનામાં ઉપયોગમાં લેવાય છે, તેને પોતાના વર્કશોપમાં રિપેર કરવાને બદલે કંપનીના વર્કશોપમાં રિપેર કરાવાશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, અમારું વધુ ફોકસ આઉટસોર્સિંગ પર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.