બાપુનગરમાં યુવતીએ પ્રેમલગ્ન કરતાં પરીવારે અપહરણનો પ્રયાસ કર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, બનાસકાંઠાના પ્રેમી યુગલે ભાગીને લગ્ન કર્યા બાદ અમદાવાદ ખાતે આવ્યા હતા જયાં તેમના સગા હાજર હતા. આ દરમિયાન યુવતીના પરીવાર અચાનક આવીને તેનુ અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન યુવતીના પતિ સહીત તેના પરીવારે છોડાવવાનો પ્રયત્ન કરતા ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન પોલીસની ગાડી ત્યાંથી નીકળતા યુવતીનો પરિવાર ભાગી છુટયો હતો.
ઈશ્વરભાઈ દેવીદાસ વડાદરા બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના ભુતેડા ગામમાં રહે છે તેમના ગામમાં જ રહેતી મિત્તલ ચંદુભાઈ પટણી નામની યુવતી સાથે આઠ વર્ષથી પ્રેમ સંબંધ હતા જેથી ગત નવેમ્બર મહીનામાં બંનેએ ચોરી છુપીથી ડીસામાં એક મંદીરમાં લગ્ન કર્યા હતા બાદમાં ફેબ્રુઆરીમાં ગ્રામ પંચાયતમાં વિધીસર લગ્ન નોંધણી કરાવી હતી અને ઘરેથી ભાગી પાવાગઢ રોકાયા હતા.
બીજી તરફ મિત્તલના પિતાએ તેના ગુમ થવાની ફરીયાદ કરતા ઈશ્વરભાઈ અને મિત્તલ પોલીસ સ્ટેશને હાજર થયા બાદ કાયદેસર રીતે પરત પાવાગઢ આવી રહેતા હતા. અમદાવાદ ખાતે રહેતા ઈશ્વરભાઈના નાના ભાઈના સાળાએ તેમને અમદાવાદ આવવા કહેતા બંને રવિવારે બાપુનગર ભીડભંજન મંદીર ખાતે આવ્યા હતા જયાં તેમનો પરીવાર હાજર હતો રાત્રે નવ વાગ્યાના સુમારે બધા વાતો કરતા હતા
ત્યારે કાંતિભાઈ નામના શખ્સે તમે સામે વકીલની ઓફીસે આવો જયાં લગ્નની વિધી પતાવીએ કહીને મિત્તલને લઈને જતા હતા ત્યારે અચાનક મિત્તલનો પરીવાર રીક્ષામાં ત્યાં આવ્યો હતો અને તેને જબરદસ્તી રીક્ષામાં બેસાડવા પ્રયાસ કરતા ઈશ્વરભાઈ પત્નીને છોડાવવા વચ્ચે પડયા હતા આ દૃશ્ય જાેઈ અન્ય લોકો પણ ત્યાં આવતા મિત્તલના પરીવારે ઈશ્વરભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ઝપાઝપી કરી હતી.
જાેકે આ દરમિયાન પોલીસની ગાડી પણ ત્યાંથી નીકળતા મિત્તલના પિતા સહીતના લોકો ત્યાંથી ભાગી ગયા હતા બાદમાં ઈશ્વરભાઈએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં કાંતિભાઈ તથા મિત્તલના પિતા સામે અપહરણ અને ધમકીની ફરીયાદ નોંધાવી છે.