જસ્ટિસ એનવી રમના દેશના નવા ચીફ જસ્ટિસ બનશે
નવી દિલ્હી, જસ્ટિસ એનવી રમના દેશના આગામી ચીફ જસ્ટિસ એટલે કે મુખ્ય ન્યાયધીશ બનશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની નિમણૂકને મંજૂરી આપી છે. વર્તમાન ચીફ જસ્ટિસ એસએ બોબડે ૨૩ એપ્રિલના રોજ રિટાયર થઈ રહ્યા છે. તેમણે જ કેન્દ્ર સરકારને જસ્ટિસ રમનાના નામની ભલામણ કરી હતી.
ત્યારપછી કેન્દ્રએ રાષ્ટ્રપતિ સમક્ષ તેમનું નામ રજુ કર્યુ હતુ. જસ્ટિસ રમના ભારતના ૪૮મા મુખ્ય ન્યાયધીશ હશે. જસ્ટિસ રમના આંધ્રપ્રદેશ હાઈ કોર્ટના પહેલા એવા જજ હશે જે સીજેઆઈ બનશે. જસ્ટિસ રમનાનો જન્મ ૨૭ ઓગષ્ટ, ૧૯૫૭ના રોજ થયો હતો. સુપ્રીમ કોર્ટમાં તેઓ વર્તમાન સીજેઆઈ બોબડે પછી સૌથી સીનિયર છે.
આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નાવરમ ગામમાં એક ખેડૂત પરિવારમાં તેમનો ઉછેર થયો હતો. ૧૦, ફેબ્રુઆરી ૧૯૮૩ના રોજ તેમણે એક વકીલ તરીકે પોતાના નામની નોંધણી કરાવી હતી અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. ૨૭ જૂન, ૨૦૦૦ના રોજ આંધ્રપ્રદેશ હાઈ કોર્ટના તેઓ પરમનન્ટ જજ બન્યા હતા.