વકીલાતની પ્રેક્ટિસ કરતી મહિલાને આધેડે પ્રેમમાં ફસાવી
અમદાવાદ: અમદાવાદ શહેરમાં રહેતી અને વકીલાતની પ્રેક્ટિસ કરતી એક મહિલા એક આધેડની જાળમાં ફસાઈ હોવાની ઘટના સામે આવી છે. આ મહિલાનો સંપર્ક સોશિયલ મીડિયા થકી એક વ્યક્તિ સાથે થયો હતો. આ વ્યક્તિએ પોતે એનઆરઆઈ હોવાનું કહેતા બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી. જે બાદમાં મહિલાએ લગ્ન કરવાનું વિચાર્યું હતું. આ સમયે યુવકે તેની ઉંમર ૩૪ વર્ષ જણાવી હતી. જાેકે, એક દિવસ આ વ્યક્તિની પત્નીને જાણ થતા તેણે મહિલાને ફોન કરી ભાંડો ફોડ્યો હતો અને તે વ્યક્તિની ઉંમર ૪૪ વર્ષ હોવાનું જણાવતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ભાંડો ફૂટતા જ આ વ્યક્તિએ મહિલાને ધંધા વાળી કહી તેણીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હતી. શહેરના કોટ વિસ્તારમાં રહેતી ૨૯ વર્ષીય મહિલા વકીલાતની પ્રેક્ટિસ કરે છે. આજથી સાત મહિના પહેલા આ મહિલાના મોબાઈલ ફોનમાં ફેસબુક દ્વારા આમેજ લોખંડવાલા નામના વ્યક્તિએ પરિચય કર્યો હતો. જેથી આ મહિલા અને આમેજ બંને અવારનવાર વાતચીત કરતા હતા અને ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા થઈ હતી. મહિલા આ વ્યક્તિથી અપરિચિત હોવાથી આમેજે મહિલાને પોતે એન.આર.આઈ હોવાનું જણાવી પોતે અપરિણીત છે તેમ કહ્યું હતું. સાથે જ તેની ઉંમર ૩૪ વર્ષની જણાવી હતી.
મહિલાને પણ પોતાનું ભવિષ્ય સેટલમેન્ટ કરવાનો વિચાર આવતા આ વ્યક્તિ સાથે ગાઢ મિત્રતા કેળવી હતી. બાદમાં આ વ્યક્તિએ તેના જન્મના પ્રમાણપત્રની એક નકલ આ મહિલાને વોટ્સએપ પર મોકલી હતી. જેમાં તેની ઉંમર ૩૪ વર્ષની હોવાનું જણાવ્યું હતું. જેથી મહિલાએ પણ લગ્ન માટે તૈયારી બતાવી હતી. આમેજ મહિલાને અવારનવાર લગ્ન કરી સારી રીતે રાખશે અને સપોર્ટ કરશે તેમ જણાવતો હતો. સાથે જ થોડા સમયમાં લગ્ન કરી લેશે તેમ જણાવતો હતો. “હું તને પત્ની તરીકે માની ચૂક્યો છું,”
તેમ કહી આમેજે મહિલાને વિશ્વાસમાં લીધી હતી. આટલું જ નહીં વ્યક્તિએ મહિલા સાથે બાંધેલા સંબંધોમાં ગંભીરતા બતાવવા માટે મહિલાના ભાઈને બૂટ પણ મોકલી આપ્યા હતા અને મહિલાને ચારથી પાંચ વખત થોડા થોડા કરી ૩૦,૦૦૦ જેટલા રૂપિયા પણ મોકલી આપ્યા હતા. જેથી મહિલાને આ વ્યક્તિ ઉપર વધુ ભરોસો થયો હતો અને તે વારંવાર નિકાહ કરવા જણાવતો હતો. જાેકે, મહિલા ના પાડતી હતી અને માતાપિતાની સંમતિ મેળવી કાયદેસર નિકાહ કરશે તેમ જણાવ્યું હતું.