Western Times News

Gujarati News

સુરતના જરીવાલા પરિવારમાં ચાર દિવસમાં બે સભ્યનાં મોત, વધુ બે સભ્યો સંક્રમિત

સુરત: સુરત શહેરમાં કોરોનાની ભયાનક સ્થિતિ વચ્ચે ગોપીપુરાના જરીવાલા પરિવાર માટે કોરોના કાળ બનીને ત્રાટક્યો છે. સીટી સ્કેન સેન્ટરમાં ટેસ્ટિંગ માટે ગયેલા પિતાનું અચાનક તબિયત લથડતા ઢળી પડતા મોત થયું હતું. પિતાના મૃત્યુના આઘાતમાંથી પરિવાર માંડ બહાર આવે ત્યાં તો ચોથા દિવસે માતાને પણ કોરોના ભરખી ગયો હતો. કાતિલ કોરોના માતા-પિતાને છીનવી લેતા સમગ્ર જરીવાલા પરિવાર ઘેરા આઘાતમાં ડૂબી ગયો છે.

ગોપીપુરામાં મરદાનિયા વાડ ખાતે રહેતા ૭૭ વર્ષીય લક્ષ્મીચંદ જરીવાલા સપ્તાહ પહેલાં ગેસ્ટ્રોમાં સપડાયા હતા. ફેમિલી ડૉક્ટરને ત્યાં ટ્રીટમેન્ટ કરવા છતાં તબિયતમાં કોઇ ફરક પડ્યો ન હતો. બીજી તરફ લક્ષ્મીચંદભાઇના પત્ની ખુશમનબેન પણ બીમાર પડ્યા હતા.

જરીવાલા દંપતીની ફેમિલી ડૉક્ટરને ત્યાં સારવાર ચાલતી હતી. દરમિયાન ડૉક્ટરને લક્ષ્મીચંદભાઇમાં કોરોનાના લક્ષણો દેખા દેતા એચઆરસીટી રિપોર્ટ કઢાવવા કહ્યું હતુ. જેથી ગત તા. ૧ના રોજ પુત્ર મનિષ સહિતના પરિવારજનો લક્ષ્મીચંદભાઇને સીટી સ્કેન માટે કૈલાસનગર ખાતે શંખેશ્વર કોમ્પલેક્સ સ્થિત સીટી સ્કેન સેન્ટરમાં લઇ ગયા હતા. અહીં ટેસ્ટિંગ રૂમમાં લઇ જવાતા જ લક્ષ્મીચંદભાઇ ઢળી પડ્યા હતા. જેને કારણે સીટી સ્કેન સેન્ટરનો સ્ટાફ દોડતો થઇ ગયો હતો.

પરિવારજનો તાત્કાલિક લક્ષ્મીચંદભાઈને નજીકમાં આવેલી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમણે મૃત ઘોષિત કર્યા હતા. પરિવારના મોભીની કોવિડ લાઇડલાઇન પ્રમાણે અંતિમક્રિયા પાર પાડ્યા બાદ પરિવાર માંડ આઘાતમાંથી બહાર આવે ત્યાં તો માતા ખુશમનબેનની અચાનક તબિયત બગડવા લાગી હતી. તેઓને મહાવીર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પાંચમી એપ્રિલે ૭૨ વર્ષીય ખુશમનબેનને પણ કોરોના ભરખી ગયો હતો.

આ રીતે સુરતના જરીવાલા પરિવારે ગણતરીના દિવસોમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. આટલું ઓછું હોય તેમ કોરોના હજુ અટકવાનું નામ લેતો નથી, લક્ષ્મીચંદભાઇના પૌત્ર-પૌત્રીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવાર ઘેરા આઘાતમાં ડૂબી ગયો છે. હાલ પૌત્ર અને પૌત્રી હોમ ક્વૉરન્ટીન હેઠળ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.