Western Times News

Gujarati News

સરકારની લોકડાઉન લાગુ કરવાની વિચારણા નથી, સ્વયંભૂ બંધ આવકાર્ય : મુખ્યમંત્રી

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારપૂર્વક પુનરોચ્ચાર કર્યો કે , રાજ્ય સરકારનો લોકડાઉન લાગુ કરવાનો કોઈ જ વિચાર નથી અને આપણે લોકડાઉનની દિશામાં જઈ પણ રહ્યા નથી રૂપાણીએ અમદાવાદથી ૨૦ નવા ધન્વંતરી આરોગ્ય રથના લોકાર્પણ વેળાએ જણાવ્યું છે કે, રાજ્યમાં ધનવંતરી આરોગ્ય રથ થકી કોરોના દર્દીઓનું અર્લી ડિટેકશન કરી તેઓને સમયસર યોગ્ય સારવાર આપી રાજ્યમાં મૃત્યુ દર ઘટાડવાનો સરકારનો હેતુ છે. કોરોનાના દર્દીઓને સંક્રમણની થતાં જ સારવાર શરૂ કરી શકાય તે માટે રાજ્ય સરકારે લીધેલા પગલાઓ પૈકી આજે પ્રસ્થાન કરાયેલા ધન્વંતરી આરોગ્ય રથ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરીને દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં ઉમેરો કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક ધન્વંતરી રથ પાંચ આરોગ્ય કર્મીઓ, જી.પી.એસ. સિસ્ટમ, લેપટોપ અને ઇન્ટરનેટ કનેકટીવિટી ધરાવે છે જેના પગલે આરોગ્ય રથ આરોગ્ય વિભાગને સેન્ટ્રલાઈઝ ડેટા ઉપલબ્ધ કરાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.આરોગ્ય રથના પ્રસ્થાન બાદ રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેવા સમયે રાજ્ય સરકાર આરોગ્ય સુવિધાઓને વધારવા અને સુદ્રઢ કરવા માટે કટિબદ્ધ છે. જે અંતર્ગત સરકારે છેલ્લા આઠ દિવસમાં રાજ્યમાં ૧૫૦૦૦ બેડ, ૩૧૦૦ ઇન્ટેન્સિવ કેર યુનિટ, ૬૭૦૦ ઓક્સિજન સાથેના બેડ અને ૯૬૫ વેન્ટિલેટર ઉમેર્યા છે.

રૂપાણીએ કહ્યું કે, ચાર મહાનગરોમાં સંક્રમણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે લોકો અનાવશ્યક કારણોથી ઘરની બહાર ન નીકળે અને નિયમોનું પાલન કરે તે જરૂરી છે. સરકારે માસ્ક પહેરવાના નિયમોની કડક અમલવારી માટેના નિર્દેશ આપ્યા છે.રૂપાણીએ વડાપ્રધાન મોદીની દેશના વિભિન્ન રાજ્યોના ઝ્રસ્ રૂપાણી સાથેની ગત બેઠકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુજરાત રાજ્યમાં અન્ય રાજ્યોની સાપેક્ષે રેમ્ડેસિવર ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે કોરોનાકાળમાં કોવિડ દર્દી અને મૃત્યુના આંકડા ક્યારેય પણ છુપાવ્યા નથી. સરકાર યથાસ્થિતિ આંકડા સૌ સમક્ષ મૂકવામાં માને છે.કોરોનાને કારણે થતા મૃત્યુની ગણતરીમાં આઇ.સી. એમ.આર. ની માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, કોમોર્બિડ દર્દીના મૃત્યુનું પ્રાઈમરી અને સેકન્ડરી કારણ ધ્યાને લઇ માર્ગદર્શિકા મુજબ મૃત્યુનું મુખ્ય કારણ નિર્ધારિત કરવામાં આવે છે. સરકાર દ્વારા કોરોના સંક્રમણની જે વિગતો રજીસ્ટર થાય છે તે જ વિગતો જનતા અને મીડિયા સમક્ષ મૂકવામાં આવે છે તેમ તેઓએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે રૂપાણીએ ભારપૂર્વક પુનરોચ્ચાર કર્યો કે , રાજ્ય સરકારનો લોકડાઉન લાગુ કરવાનો કોઈ જ વિચાર નથી અને આપણે લોકડાઉનની દિશામાં જઈ પણ રહ્યા નથી. રાજ્યના કેટલાક ગામડા-નગરોમાં લોકો અને વ્યાપારી સંગઠનો સ્થાનિક પરિસ્થિતિને આધારે સ્વયંભૂ બંધ પાળે છે તે આવકારદાયક છે.રૂપાણીએ વધુમાં કહ્યું કે, પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. હાલમાં જ ગુજરાતને બીજા પંદર લાખ ડોઝ મળ્યા છે અને આગામી રાષ્ટ્રવ્યાપી રસીકરણ કાર્યક્રમ માટે બીજા ડોઝ પણ મળશે તેમ ઉમેર્યું હતું.

૨૦ નવા ધન્વંતરી આરોગ્ય રથ અમદાવાદના બોપલ, બાવળા, ચાંદખેડા, ગાંધીનગર શહેર, સુરતના કડોદરા અને કિમ, વડોદરાના ફતેગંજ અને શહેર,ગોંડલ, રાજકોટ, દાહોદ, પોરબંદર, અમરેલી, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર અને વલસાડ જિલ્લામાં સેવા આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ૩૪ ધન્વંતરી આરોગ્ય રથ થકી કોરોના કાળમાં ૨,૯૪,૫૨૫ વ્યક્તિને આરોગ્ય રથનો લાભ પ્રાપ્ત થયો છે. નવા ૨૦ આરોગ્ય રથ ઉમેરાતા રાજ્યમાં આરોગ્ય રથની સંખ્યા ૫૪ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.