એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો થતાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થઈ શકે છે
નવીદિલ્હી: સામાન્ય જનતાને ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવથી રાહત મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવામાં આવી શકે છે. ત્યારબાદ દેશભરમાં ભાવ ઘટવાની આશા છે. મૂળે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સના ચેરમેન એમ. અજીત કુમારે કહ્યું કે સરકાર સતત પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા પર વિચાર કરી રહી છે. સમય આવતાં તેની પર ર્નિણય લેવામાં આવશે.
પેટ્રોલ અને ડીઝલ પર રેકોર્ડ એક્સાઇઝ ડ્યૂટીથી અપ્રત્યક્ષ કર સંગ્રહ ૩૧ માર્ચે પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં વાર્ષિક આધાર પર ૫૯ ટકા વધુ રહ્યો. ટેક્સના આંકડાઓની જાણકારી આપવાને લઈ સંવાદદાતાઓ સાથે વીડિયો કોલમાં તેઓએ કહ્યું કે, અમને આશા છે કે આવનારા મહિનાઓમાં રેવન્યૂ સારું રહેશે. જ્યાં સુધી ઇંધણના ભાવમાં ઘટાડાનો સવાલ છે, આ મામલા પર સરકારની સતત નજર છે અને મને પૂરો વિશ્વાસ છે કે જ્યારે પણ સમય આવશે, આ વિશે ર્નિણય લેવામાં આવશે.
નોંધનીય છે કે, ફ્યૂઅલ પર વધુ એક્સાઇઝ ડ્યૂટી હોવાના કારણે ભારતના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધી સરકારે ૧૩ વાર એક્સાઇઝ ડ્યૂટી વધારી છે. પેટ્રોલ અને ડીઝલ પર છેલ્લીવાર મે ૨૦૨૦માં એક્સાઇઝ ડ્યૂટી વધી હતી.
ઉલ્લેખનીય છે કે, એક્સાઇઝ ડ્યૂટી કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર હાલ પેટ્રોલ પર ૩૨.૯૦ રૂપિયા અને ડીઝલ પર ૩૧.૩૮ રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યૂટી વસૂલી રહી છે. પેટ્રોલની બેઝ પ્રાઇઝ હાલ ૩૩ રૂપિયા અને ડીઝલની બેઝ પ્રાઇઝ ૩૪ રૂપિયાની આસપાસ છે. તેની પર કેન્દ્ર સરકાર ૩૩ રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલી રહી છે. ત્યારબાદ રાજ્ય સરકારો તેની પર પોતાના હિસાબથી વેટ અને સેસ વસૂલે છે. ત્યારબાદ તેનો ભાવ બેઝ પ્રાઇઝથી ૩ ગણા સુધી વધી ગયો છે.