દિલ્હીમાં શુક્રવાર રાતના ૧૦થી સોમવાર સવારના ૬ સુધી કર્ફ્યુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/01/Delhi.jpg)
જરૂરી સેવાઓ ખુલી રહેશે, લગ્નની તારીખો નક્કી છે તેમને પાસ આપવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી, કોરોનાના વધતાં સંકટ વચ્ચે દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આ વીકેન્ડ કર્ફ્યૂ શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યે શરૂ થશે અને સોમવારે સવારે ૬ વાગ્યા સુધી રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે બપોરે આ પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે જાહેરાત કરી.
વીકેન્ડ કર્ફ્યૂને લઇને અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જરૂરી સેવાઓ ખુલી રહેશે. જ્યારે જેમની લગ્નની તારીખો નક્કી છે તેમને પાસ આપવામાં આવશે. મોલ, જિમ, સ્પા, માર્કેટ અને અન્ય વસ્તુઓ બંધ રહેશે, સિનેમા હોલ ૩૦ ટકા પ્રમાણે ચાલી શકશે.
વીકેન્ડમાં માત્ર વિસ્તાર પ્રમાણે એક માર્કેટ ખોલવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે, પાંચ દિવસ લોકો કામ કરે અને વીકેન્ડમાં ઘરે રહેવાનો પ્રયાસ કરે. જાે કોઇને હોસ્પિટલ જવું છે, એરપોર્ટ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જવું હોય તો તે લોકોને વીકેન્ડ કર્ફ્યૂમાં છૂટ રહેશે. પરંતુ તેની માટે પાસ લેવું પડશે.
તેમણે કહ્યું કે, દિલ્હીમાં અત્યારે બેડ્સની કમી નથી. અમુક હોસ્પિટલમાં બેડ્સ ભરાઇ ગયા છે, પરંતુ કેટલાક લોકો તે હોસ્પિટલમાં જ જવા માગે છે. આથી મુશ્કેલી આવી રહી છે. દિલ્હીમાં અત્યારે પણ પાંચ હજારથી વધુ બેડ્સ ખાલી છે. તેની સંખ્યા વધારવામાં આવી રહી છે.
દિલ્હીમાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. હોસ્પિટલોમાં બેડ્સની કમી છે, ઓક્સિજન સિલિન્ડર મળી રહ્યાં નથી. અંતિમ સંસ્કાર માટે પણ લાઇન છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭,૨૮૨ નવા કેસ સામે આવ્યા અને ૧૦૪ લોકોનાં મોત નિપજ્યાં છે. આ સાથે જ કુલ કેસ ૭,૬૭,૪૩૮એ પહોંચી ગયા છે. એક્ટિવ કેસ ૫૦,૭૩૬ અને અત્યાર સુધી મૃત્યુ પામનારા લોકોનો આંકડો ૧૧,૫૪૦ થઇ ગયો છે.