દેશના અર્થતંત્રને સપ્તાહનું સરેરાશ ૧.૨૫ અબજ ડોલરનું નુકશાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/12/The-Digital-Economy.jpg)
વર્તમાન નિયંત્રણો મેના અંત સુધી ચાલુ રહેશે તો આર્થિક-કોમર્શિયલ પ્રવૃત્તિને ૧૦.૫ અબજ ડોલરનું નુકસાન થશે
નવી દિલ્હી, દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસ અને તેને કારણે બિઝનેસ પ્રવૃત્તિ પર સતત વધી રહેલા નિયંત્રણોને કારણે દેશના અર્થતંત્રને એક સપ્તાહનું સરેરાશ ૧.૨૫ અબજ ડોલરનું નુકસાન થશે તેવો એક રિપોર્ટમાં અંદાજ આપવામાં આવ્યો છે. લોકલાઈઝ્ડ લોકડાઉનને કારણે દેશના જીડીપી પર પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૧૪૦ બેઝિસ પોઈન્ટ (૧.૪ ટકા)ની અસર જાેવા મળશે. ૬૦ ટકા ઈકોનોમી પર કોઈ ને કોઈ પ્રકારના નિયંત્રણો છે.
બ્રિટિશ બ્રોકરેજ બાર્કલેઝના રિપોર્ટ અનુસાર જાે વર્તમાન નિયંત્રણો મે મહિનાના અંત સુધી ચાલુ રહેશે તો આર્થિક અને કોમર્શિયલ પ્રવૃત્તિને અંદાજે ૧૦.૫ અબજ ડોલરનું નુકસાન થશે અને નોમિનલ જીડીપીને ૩૪ બેસીસ પોઈન્ટનું નુકસાન થશે. રિપોર્ટ અનુસાર કોરોનાના ૮૧ ટકા કેસ માત્ર આઠ રાજ્યોમાં જ છે, પરંતુ આ તમામ રાજ્યો આર્થિક રીતે ખૂબ જ સક્રિય રાજ્યો છે.
આથી અર્થતંત્ર પર તેની વધારે અસર થશે. રાત્રિ કરફ્યૂ સહિતના જે નિયંત્રણો લાગુ છે તેને કારણે અર્થતંત્રને દર અઠવાડિયે સરેરાશ ૧.૨૫ અબજ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. અગાઉ આ નુકસાન ૦.૫૨ અબજ ડોલરનું હતું.