પંજાબ સામે ચેન્નઈનો છ વિકેટે વિજય, દીપક ચહરની ૪ વિકેટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Deepak-Chahar2-1024x682.jpg)
નવી દિલ્હી: દીપક ચહરની ઘાતક બોલિંગ બાદ મોઈન અલી અને ફાફ ડુપ્લેસિસની આક્રમક બેટિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુક્રવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ સામે ૬ વિકેટે આસન વિજય નોંધાવ્યો હતો. ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ર્નિણય કર્યો હતો. દીપક ચહરની ઝંઝાવાતી બોલિંગ સામે પંજાબ કિંગ્સના બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા હતા અને ટીમ નિર્ધારીત ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૦૬ રન નોંધાવી શકી હતી.
જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સે ૧૫.૪ ઓવરમાં ૪ વિકેટે ૧૦૭ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. દીપક ચહરે ચાર વિકેટ ઝડપી હતી. ચેન્નઈ સામે ૧૦૭ રનને આસાન લક્ષ્યાંક હતો પરંતુ ટીમે ૨૪ રનના સ્કોર પર ઋતુરાજ ગાયકવાડની વિકેટ ગુમાવી દીધી હતી જેણે પાંચ રન નોંધાવ્યા હતા. જાેકે, બાદમાં ઓપનર ફાફ ડુપ્લેસિસ અને મોઈન અલીની જાેડીએ ધમાકેદાર બેટિંગ કરી હતી.
આ જાેડીએ ૬૬ રનની ભાગીદારી નોંધાવી હતી અને ટીમના વિજયને વધારે આસાન બનાવી દીધો હતો. મોઈન અલી ચાર રન માટે પોતાની અડધી સદી ચૂકી ગયો હતો. તેણે ૩૧ બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સર સાથે ૪૬ રન નોંધાવ્યા હતા. જ્યારે ડુપ્લેસિસ અંત સુધી નોટ આઉટ રહ્યો હતો. તેણે ૩૩ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે અણનમ ૩૬ રન નોંધાવ્યા હતા.
પંજાબ માટે મોહમ્મદ શમીએ બે તથા અર્શદીપ સિંહ અને મુરુગન અશ્વિને એક-એક વિકેટ ઝડપી હતી. પંજાબ કિંગ્સની શરૂઆત નિરાશાજનક રહી હતી. તેના સ્ટાર બેટ્સમેનો સસ્તામાં આઉટ થઈ જતાં શરૂઆતથી જ ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી.
કેપ્ટન લોકેશ રાહુલ પાંચ રન નોંધાવીને રન આઉટ થયો હતો જ્યારે તેનો સાથી ઓપનર મયંક અગ્રવાલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ક્રિસ ગેઈલે પણ તેના ચાહકોને નિરાશ કર્યા હતા અને ૧૦ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. દીપક હૂડા ૧૦ રન નોંધાવીને આઉટ થયો હતો અને નિકોલસ પૂરણ શૂન્ય પર આઉટ થયો હતો. પંજાબ ૨૬ રનમાં તેની અડધી ટીમ ગુમાવી દીધી હતી.
પંજાબ માટે મિડલ ઓર્ડરના બેટ્સમેન શાહરૂખ ખાને સૌથી વધુ સ્કોર નોંધાવ્યો હતો. તેણે આક્રમક બેટિંગ કરી હતી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. શાહરૂખે ૩૬ બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૪૭ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે જ્યે રિચાર્ડસને ૧૫ રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ માટે દીપક ચહરે ઘાતક બોલિંગ કરી હતી.