Western Times News

Gujarati News

મ્યુનિ.બજેટ ચર્ચામાં કોરોના મુદ્દેે કોંગ્રેસની આક્રમક રજુઆત

શારદાબેન, એલ.જી.માં રોજ એક હજાર દર્દીની ઓપીડીઃ વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ થાય એ જરૂરીઃઈકબાલ શેખ

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ ભયાનક બની રહી છે. દર્દીઓને સારવાર માટે હોસ્પીટલ, ઓક્સિજન અને ઈન્જેકશન મળતા નથી. મ્યુનિસિપલ ભાજપના શાસકો ‘કોરોના’ મામલે સદંતર નિષ્ફળ સાબિત થયા છે. તેમજ અધિકારી રાજ ચાલી રહ્યુ છે. એલ.જી. હોસ્પીટલ અને શારદાબેન હોસ્પીટલને કોવિડ જાહેર કર્યા બાદ અન્ય રોગના દર્દીઓનું શુ? એ મામલે તંત્ર દ્વારા વિચાર કરવામાં આવ્યો નથી. એવા આક્ષેપ મ્યુનિસિપલ બજેટ ઓનલાઈન ચર્ચામાં વિપક્ષ કોેંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.

મ્યુનિસિપલ કોર્પોરેશન માટે નાણાંકીય વર્ષ ર૦ર૧-રર ના બજેટની ચર્ચા દરમ્યાન વિપક્ષ કોંગ્રેસે ‘કોરોના મુદ્દે શાસકોને આડેહાથે લીધા હતા. સીનિયર કોર્પોરેટર ઈકબાલ શેખે રજુઆત કરતા જણાવ્યુ હતુ કે કોરોનાને નિયંત્રણમાં લેવા તેમજ દર્દીઓને સમયસર સારવાર આપવામાં ભાજપ નિષ્ફળ સાબિત થયુ છે. ર૦ર૦ના હોદ્દેદારો કોરોનાકાળમાં પ્રજાથી વિમુખ થઈ ગયા હતા. પૈૂર્વ મેયર પણ સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. માત્ર કેરી મહોત્સવના ઉદ્‌ઘાટન માટેે જ બહાર નીકળ્યા હતા. એક વર્ષ બાદ પણ પરિસ્થિતિમાં કોઈ જ બદલાવ આવ્યો નથી. મ્યુનિસિપલ ચૂંટણીમાં ૧૬૦ બેઠકો મેળવ્યા બાદ પણ હોદ્દેદારો પ્રજાથી દુર થઈ ગયા છે. કોરોનાના દર્દીઓને હોસ્પીટલમાં બેડ મળતા નથી. ઓક્સિજન અને ઈન્જેકશન વિના દર્દીઓ તરફડી રહ્યા છે. પરંતુ ભાજપના હોદ્દેદારો તેમની મસ્તીમાં જ મસ્ત રહે છે.

ચુંટણી જીત્યા બાદ જે રીતે શુભેચ્છકોના ટોળાને પ્રવેશ આપવામાં આવ્યા હતા તેના પરથી જ સાબિત થાય છે કે ભાજપને ટોળા ભેગા કરવામાં જ રસ છે. મ્યુનિસિપલ હોસ્પીટલોમાં માત્ર અધિકારીઓની ભલામણ બાદ જ દર્દીઓને એડમિશન મળી રહ્યા છે.

એસ.વી.પી. હોસ્પીટલના વ્યવસ્થાપક મંડળ ઉપર પણ હોદ્દેેદારો અને ભાજપનો કાબુ રહ્યો નથી. નામદાર ગુજરાત હાઈકોર્ટેના કડક વલણ બાદ સારૂ ચિત્ર બનાવવા માટે શારદાબેન અને એલ.જી. હોસ્પીટલને કોવિડ હોસ્પીટલ જાહેર કરવામાં આવી છે. પરંતુ એલ.જી.માં માત્ર ર૦૦ અને શારદાબેનમાં ૧૦૦ બેડ જ કોવિડ દર્દીઓ માટે રીઝર્વ કરવામાં આવ્યા છે. જ્યારે બાકી બેડ પર કોવિડ કે અન્ય રોગના દર્દીઓને સારવાર આપવામાં આવતી નથી.

શારદાબેન અને એલ.જી.હોસ્પીટલ માં રોજ એક હજાર કરતા વધુ દર્દીઓ ઓપીડીમાં આવે છે.જ્યારે બંન્ને હોસ્પીટલોમાં કુલ મળીને રોજ ૩૦થી ૩પ ઓપરેશન કરવામાં આવે છે. એલ.જી. અને શારદાબેન કોવિડ હોસ્પીટલ જાહેર થયા બાદ અન્ય રોગના દર્દીઓ ક્યાં જશે? તેમના માટે કઈ વ્યવસ્થા કરવામાં આવી છે? આ તમાામ બાબતો અધ્યાહાર છે.

મ્યુનિસિપલ હોદ્દેદારો અને અધિકારીઓ દ્વારા રેફરલ હોસ્પીટલની દુહાઈ આપવામાં આવે છે. પરંતુ રેફરલ હોસ્પીટલોમાં પુરતી સુવિધાઓનો અભાવ છે. તેથી રેફરલ હોસ્પીટલોમાં તબીબો અને સાધનોની સુવિધા તાકીદે ઉપલબ્ધ કરાવી તેમાં ઓપીડી શરૂ કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી હતી તેમ તેમણે વધુમા જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.