કોરોના વાયરસે ગુજરાત મોડલને છિન્ન ભિન્ન કર્યું છે
ઓક્સિજન પ્લાન્ટ પર હવે સરકારની સીધી નજર રહેશે, હવેથી અન્ય રાજ્યોની ઓક્સિજન સપ્લાય નહિ અપાય
ગાંધીનગર, કોરોનાના કેસનો આંકડો ૯૦૦૦ ને પાર કરી ચૂક્યો છે. કોરોનાની આ લહેર અનેક લોકોનો જીવ લઈ ચૂકી છે. સાથે જ હાલ ગુજરાતની લગભગ તમામ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી હાઉસફુલ છે. તો અનેક લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં સારવાર લઈ રહ્યાં છે. ત્યારે હવે સરકાર હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓ માટે નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
હોમ ક્વોરેન્ટાઈન દરમિયાન અનેક દર્દીઓ નિયમોનો ભંગ કરતા હોય છે તેવુ જાેવા મળે છે. ત્યારે હવે રાજ્ય સરકાર હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓ માટે કડકાઈ દાખવવાના મૂડમાં છે. જલ્દી જ સરકાર હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓ માટે કડક નિયમો બનાવવા જઈ રહી છે. જેમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં અધિકારીઓ સીધુ જ દર્દીઓનું મોનિટરિંગ કરશે. હોમ ક્વોરેન્ટાઈનમાં રહેતા પોઝિટિવ દર્દીઓ નિયમોનું પાલન નહિ કરે તો કાર્યવાહી કરવા સરકારે વિચારણા હાથ ધરી છે. જે જલ્દી જ લાગુ કરવામાં આવનાર છે.
રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાએ ગુજરાત મોડેલને છિન્નભિન્ન કરી નાંખ્યું છે. આવામાં હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓની સંખ્યા ઘણી મોટી છે. ગુજરાતમાં અત્યારે અનેક દર્દીઓ હોમ ક્વોરેન્ટાઈન છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં સૌથી વધુ છે. આ શહેરો કોરોનાના હોટસ્પોટ છે. ત્યારે આવા શહેરોમાં હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓ નિયમોનું પાલન કરતા નથી તેવી ચારેતરફથી ફરિયાદો મળી રહી છે. તેથી હવે સરકાર નિયમો લાગુ કરવા મજબૂર બની છે.
તો બીજી તરફ, કોરોના વકરતા ઓક્સિજન સપ્લાયની અછત સર્જાઈ રહી છે. ત્યારે આ મામલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. ઓક્સિજન પ્લાન્ટ પર હવે સરકારની સીધી નજર રહેશે. હવેથી અન્ય રાજ્યોની ઓક્સિજન સપ્લાય નહિ અપાય. ઓક્સિજન સપ્લાય અને પ્લાન્ટ પર દેખરેખ માટે સરકારી અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ઓક્સિજનના વાહન પર પોલીસ સીધી નજર રાખશે. ત્યારે રાજ્ય સરકારે કોરોનાના વકરતા કહેર વચ્ચે આ ર્નિણય કર્યો છે.