માતાની કોરોનાની સારવાર માટે ઉછીના લીધેલા ત્રણ લાખ રૂપિયા ચોરાઈ ગયા
રાજકોટ: એક તરફ વ્યક્તિઓ ગરીબીમાં લાચાર બન્યા છે તો બીજી તરફ કોરોનાની મહામારીએ આવા લોકોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ કરી મૂકી છે. આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લાના ગોંડલમાં સામે આવ્યો છે. ગોંડલમાં ગુંદાળા ચોકડી પાસે દુકાન ધરાવતા વેપારીના માતા કોરોનામાં સપડાયા હતા. હૉસ્પિટલ સંચાલકો ડિપોઝિટ પેટે રૂપિયા ભરવાનું જણાવતા સગા-વ્હાલા, સ્નેહી, મિત્રો પાસેથી ત્રણ લાખ જેવી માતબર રકમ ભેગી કરી હૉસ્પિટલમાં ભરવા જઈ રહ્યા હતા. રૂપિયા લઈને વેપારી જ્યારે હૉસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે આ રકમ એક્ટિવાની ડેકીમાંથી ચોરી થઈ જતા બનાવ પોલીસ મથકે પહોંચ્યો હતો.
ગોંડલના ખોડિયારનગરમાં રહેતા અને ગુંદાળા ચોકડી પાસે દુકાન ધરાવતા મનોજભાઈ નાથાભાઈ ઘાડીયાના માતા લાભુબેન કોરોના બીમારીમાં સપડાયા હતા. ખાનગી હોસ્પિટલમાં ડિપોઝિટ પેટે રૂપિયા ત્રણ લાખ જેવી માતબર રકમ ભરવાની હોવાથી તેઓએ સુરતના સગા-વ્હાલા પાસેથી ઉછીના પૈસા મંગાવ્યા હતા.
જે બાદમાં તેઓ આ રકમ એક્ટિવાની ડેકીમાં મૂકી હૉસ્પિટલ જવાની તૈયારી કરતા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ આ રકમની ચોરી કરી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વેપારીની ફરિયાદ પરથી પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.ઘટના અંગે પીએસઆઇ બી.એલ. ઝાલાએ જણાવ્યું હતું કે, તસ્કરો અવારનવાર મનોજભાઇની દુકાને જમવા આવતા હતા. પોલીસના કહેવા પ્રમાણે તસ્કરો હાથવેંતમાં છે, ગણતરીની કલાકોમાં જ ઝડપાઇ જશે. બાદમાં તમામ રકમ રિકવર કરી લેવામાં આવશે.
મહત્ત્વનું છે કે, વેપારી પોતાની માતાની સારવાર માટે ઉછીના પૈસા કરીને હૉસ્પિટલ આપવા જતા હતા ત્યારે ચોરી થઈ જતાં વેપારીની મુશ્કેલી હતી. એક તરફ પૈસા જમા કરાવવાના હતા અને બીજી તરફ ઉછીને લીધેલા પૈસા ચોરી થઈ ગયા હતા.