નોઇડાથી નવા ૫૦૦ જેટલા વેન્ટિલેટર ગુજરાતમાં લવાયા
૧૦૦ વેન્ટિલેટર ભાવનગર મોકલાશે અને ૩૦૦ નવા વેન્ટિલેટરો રાજ્યનાં અન્ય શહેરો માટે ફાળવી દેવાશે
વડોદરા, રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વકરતી જાય છે. લોકો દાખલ થવા માટે લાંબી લાંબી લાઇનો લગાવી રહ્યા છે તેવામાં નોઇડાથી ગુજરાતમાં નવા ૫૦૦ વેન્ટિલેટર આજે આવી પહોંચ્યા છે. જે પૈકી ૧૦૦ વેન્ટિલેટર સયાજી હોસ્પિટલ ઉતારવામાં આવ્યા હતા.
જ્યારે ૧૦૦ વેન્ટિલેટર ભાવનગર મોકલાશે અને ૩૦૦ નવા વેન્ટિલેટરે રાજ્યનાં અન્ય શહેરો માટે ફાળવી દેવામાં આવશે. અમદાવાદ, જામનગર, ભાવનગર, રાજકોટ વડોદરાને નવા વેન્ટિલેટર ફાળવાશે.
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોનો કુલ આંકડો ૩૯,૩૪૭ પર પહોંચી ચુક્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૩૨૫ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૩૨,૮૮૬ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
વડોદરામાં હાલ ૬૧૩૬ એક્ટિવ કેસ પૈકી ૪૩૨ દર્દીઓ ઓક્સિજન પર અને ૨૬૯ દર્દી વેન્ટિલેટર પર છે. ૫૪૩૫ દર્દીઓની હાલત સ્થિર હોવાનું પણ સામે આવ્યું છે.વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૩૯,૩૪૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૫૯૦૪, પશ્ચિમ ઝોનમાં ૭૦૦૦, ઉત્તર ઝોમાં ૭૪૭૯, દક્ષિણ ઝોનમાં ૭૦૬૩, વડોદરા ગ્રામ્યમાં ૧૧૮૬૫ અને ૩૬ કેસ બહારનાં શહેર અને રાજ્ય વિસ્તારમાં નોંધાયા છે.