Western Times News

Gujarati News

રાજકોટ સિવિલમાં પૈસા લઇ બેડ વેચતી બેલડી વિરુદ્ધ ગુનો

સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી ચૌધરી હાઇસ્કુલ ખાતેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

રાજકોટ,  રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા પાસેથી રૂપિયા ૯૦૦૦ પડાવીને દર્દીને ભરતી કરી આપતા બંને યુવાનો વિરોધ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં બીજાે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ગત ૨૧ એપ્રિલના રોજ રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી ચૌધરી હાઇસ્કુલ ખાતેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા વિડિયો મામલે ગણતરીની જ કલાકમાં રાજકોટ શહેર ક્રાઇમબ્રાન્ચ અને પ્રદ્યુમ્ન નગર પોલીસ દ્વારા જામનગરના હિતેશ મહિડા અને જગદીશ સોલંકી નામના યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં બંને યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં બંને યુવાનોએ માત્ર એક જ દર્દી ને પૈસા લઈ સિવિલ હોસ્પિટલમાં ભર્તી કરાવ્યા હોવાનું કબૂલ્યું હતું. પરંતુ પ્રદ્યુમન નગર પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઓએ બંને આરોપીઓને કાયદાનું ભાન કરાવતા તેઓ પોપટની જેમ બોલવા લાગ્યા હતા.

ત્યાર બાદ આરોપીઓએ જણાવ્યું હતું કે તેમણે ૧૯ તારીખે ચોટીલાના જીજ્ઞાબેન મુકેશ ભાઈ મકવાણા નામના મહિલા દર્દીને પણ રૂપિયા ૯ હજાર લઈ સિવિલ હોસ્પિટલમાં ભર્તી કરાવ્યા હતા. સમગ્ર મામલે આરોપીઓ સાચું કહી રહ્યા છે કે કેમ, તે બાબત ની ખરાઇ કરવા પ્રદ્યુમન નગર પોલીસે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે.

આરોપીઓએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે કે, હોસ્પિટલની અંદર મહિલા દર્દીને પ્રાઇવેટ કારમાં લાવી વોર્ડ નંબર ૧૧ માં PPE કીટ પહેરીને દાખલ કરાવી આપ્યા હતા. સમગ્ર મામલે ૧૧ નંબર વોર્ડ ના ફરજ પર હાજર રહેલા તબીબોને મહિલા પેશન્ટ મારા સગા છે તેવું કહી તેમને દાખલ કરાવ્યા હતા.

સમગ્ર મામલે પોલીસે દર્દીના સગા સંબંધીઓને પુછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમે તમારા દર્દીને દાખલ કરાવવા માટે વેઇટિંગમાં ઉભા હતા. આ સમય દરમિયાન જગદીશ અને હિતેશ નામના વ્યક્તિએ વચ્ચેથી દાખલ કરાવવા બાબતે રૂપિયા ૯ હજાર પડાવ્યા નું પણ જણાવ્યું છે. આમ, હાલ પ્રદ્યુમન નગર પોલીસ મથકના અધિકારીઓ દ્વારા બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.