ઓક્સિમિટરની ભારે અછત, ૮૦૦ના યંત્રના ભાવ ૨૦૦૦
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Oximeter.jpg)
Files Photo
નવી દિલ્હી: જેમ-જેમ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તેમ-તેમ આ કપરા સમયનો લાભ ઉઠાવનારાની સંખ્યા પણ વધી રહી છે. કોરોનાની આ મહામારીમાં ઓક્સિમીટરની માગ વધી છે ત્યારે બજારમાં તેની અછત સર્જાઈ છે અને કિંમતમાં પણ ઉછાળો આવ્યો છે. ઓક્સિમીટર ઓનલાઈન અને ઓફલાઈન (દુકાનમાંથી) એમ બંને પ્લેટફોર્મ પરથી ખરીદી શકાય છે. પરંતુ, કોરોનાની આ બીજી લહેરમાં દેશમાં ઓક્સિમીટરની માગમાં ભારે વધારો થયો છે.
ત્યારે આ કપરા સમયનો ફાયદો ઉઠાવતા કેટલાંક મેડિકલ સ્ટોર, ઓક્સિમીટરની અછત હોવાની વાત કરતા વધારે કિંમતે ઓક્સિમીટરનું વેચાણ કરી રહ્યા છે. જે ઓક્સિમીટર પહેલા ૫૦૦થી ૮૦૦ રૂપિયે મળતા હતા તે આજે ૨૦૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યા છે.
દેશમાં ઓક્સિમીટરની બહારથી આયાત થાય છે. ભારતમાં હજુ સુધી ઓક્સિમીટરનું ઉત્પાદન નહીં થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. કોરોનાની મહામારી પહેલા ઓક્સિમીટરની કિંમત એટલી વધારે નહોતી કે જેટલી આજે જાેવા મળી રહી છે.
જાે ઓક્સિમીટરની ઓનલાઈન ખરીદી કરવી હોય તો ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ જેવા કે એમેઝોન, ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વિવિધ કંપનીઓના ઓક્સિમીટર ઉપલબ્ધ છે અને તે રૂપિયા ૧૦૦૦થી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. પરંતુ, કેટલાંક ઓક્સિમીટરની કિંમત ૨૦૦૦ રૂપિયા કે પછી તેથી વધારે પણ છે.