ગર્ભવતીને ડોક્ટરે ખોળામાં ઊંચકીને વોર્ડમાં પહોંચાડી
જિંદ: હરિયાણાના જિંદ જિલ્લાની સિવિલ હૉસ્પિટલ ખાતે સોમવારે સાંજે ડેપ્યુટી સિવિલ સર્જન ડૉક્ટર રમેશ પાંચાલે માનવતાનો પરિચય કરાવ્યો હતો. મુખ્ય ગેટ પર સ્ટ્રેચર ન મળવાથી તડપી રહેલી એક મહિલાને તેમણે ખોળામાં ઉઠાવી હતી અને ઇમરજન્સી વોર્ડ સુધી પહોંચાડી હતી. તેમણે કોરોના સંક્રમણની પણ ચિંતા કરી ન હતી. ડૉક્ટરને આવું કરતા જાેઈને કર્ચારીઓ સ્ટ્રેચર લઈને આવ્યા હતા. જાેકે, એનીમિયાગ્રસ્ત સોનિયા (ઉં.વ. ૩૮)એ દમ તોડી દીધો હતો.
તેણી આઠ મહિનાની પ્રેગ્નેન્ટ હતી. મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મહિલાની ઓળખ ઉત્તર પ્રદેશના બાંદા નિવાસી સોનિયા તરીકે કરવામાં આવી છે. સોનિયાના પતિ રામશાહી સાથે ખરકરામજીના એક ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરતી હતી. સોનિયાને આઠમો મહિનો ચાલી રહ્યો હતો. મહિલાના મોત બાદ તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો,
જે નેગેટિવ આવ્યો છે. કાૅંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ ટ્વીટ કરીને ડૉક્ટરના વખાણ કરતા લખ્યું છે કે, જિંદની જનરલ હૉસ્પિટલમાં સ્ટ્રેચર ન મળ્યું અને મહિલાની સ્થિતિ ગંભીર જણાયા બાદ દર્દી મહિલાને બંને હાથથી ઊંચકીને ડેપ્યુટી સિવિલ સર્જન ડૉક્ટર રમેશ પાંચાલ દોડ્યા હતા. તમને સલામ છે સાહેબ. કોણે કહ્યું કે માનવતી મરી પરવારી છે? નાગરિક હૉસ્પિટલના એમએમઓ ડૉક્ટર ગોપાલ ગોયલે જણાવ્યુ કે, મહિલામાં લોહીની ઉણપ હતી. તેની મેડિકલ હિસ્ટ્રી જાેતા માલુમ પડ્યું છે કે ગત દિવસોમાં લોહીની ઉણપને કારણે મહિલાને રોહતક પીજીઆઈમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યાં યોગ્ય સારવાર કરાવ્યા વગર જ પરિવારના લોકો તેણીને લઈ ગયા હતા. સોમવારે અચાનક તબિયત ખરાબ થતા મહિલાને જનરલ હૉસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન મહિલાનું મોત થઈ ગયું હતું. સ્ટ્રેચર ન મળવા પર ડૉક્ટર ગોપાલ ગોયલે કહ્યુ કે, હૉસ્પિટલમાં ૧૧૦થી વધારે કોરોના દર્દી દાખલ છે. જે સમયે મહિલા આવી ત્યારે સ્ટ્રેચર બીજા વોર્ડમાં ગયા હતા. મહિલાના પતિએ જણાવ્યું કે, અચાનક જ તેની પત્નીની તબિયત બગડી હતી. તે તેણીને હૉસ્પિટલ લઈને પહોંચ્યો હતો. જ્યારે હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે ત્યાં સ્ટ્રેચર ન હતા. જ્યારે સ્ટ્રેચરની શોધખોળ ચાલી રહી હતી એ દરમિયાન જ ડૉક્ટર રમેશ પાંચાલ તેની પત્નીને ગોદમાં ઉઠાવીને ઇમરજન્સીમાં લઈ ગયા હતા.