જેમને ઘરમાં કવોરેન્ટાઈન થવાની મોકળાશ નથી એમને માટે આશીર્વાદ રૂપ સુવિધા
લાલબાગના મહાનગર પાલિકા સંચાલિત કોવિડ કેર સેન્ટરની સાર સંભાળથી ઓકસીજન લેવલ ૯૨ ટકા હોય અને સિટી સ્કેનમાં કોરોનાની અસર ૫૦ ટકા હોય એવા દર્દી સાજા થયા
વડોદરામાં કોરોના મહામારીમાં શહેરના લાલબાગ અતિથિગૃહમાં ૧૦૦ બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જે લોકોને કોરોના ના સામાન્ય લક્ષણો હોય અને જેમના ઘરે હોમ આઇસોલેશનની સુવિધા ન હોય એવા દર્દીઓને અહી દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે.
વડોદરા શહેરમાં કોરોના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે,ત્યારે કોરોનાના દર્દીઓને અસરકારક સારવાર મળી રહે તે માટે નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે વડોદરાની મુલાકાત દરમ્યાન શહેરમાં જેમને હોમ આઈસોલેશનની સુવિધા ન હોય તેવા દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા અંગે સુચનાઓ આપી હતી.જેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૧૦૦ પથારી ધરાવતું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
આ સેન્ટરના નોડલ અધિકારી અને સાવલી તાલુકાના આરોગ્ય અમલદાર ડો.અક્ષય પટેલ જણાવે છે કે આ કોવિડ કેર સેન્ટરમાં હાલમાં પ્રથમ માળે સેન્ટ્રલ જેલના ૨૯ જેટલા અંતેવાસી ઓ અને ૨૬ નાગરિકો સહિત ૫૫ લોકોને કોરોના ની સારવાર આપવામાં આવી રહી છે.આ સેન્ટરમાંથી અત્યાર સુધી ૧૨ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.
આ સેન્ટરમાં સારવાર લઈ તરસાલીના વિપિનભાઈ પટેલ સાજા નરવા થયા હતા.આ કેર સેન્ટરની સેવાઓને બિરદાવતા તેમના પુત્ર દેવ પટેલે જણાવ્યું કે કેન્દ્રમાં ડોક્ટર અને સ્ટાફની સઘન આરોગ્ય સેવાઓને કારણે મારા પિતા એકદમ સ્વસ્થ થઈ ગયા છે.
આ સેન્ટરમાં દર્દીઓને દવા, ચા, નાસ્તો અને ભોજન કોર્પોરેશન દ્વારા પુરૂ પાડવામાં આવે છે.જેને ઘરે હોમ આઇસોલેશનની સુવિધા ન હોય તેવા દર્દીઓ માટે આ સેન્ટર ખરેખર આશીર્વાદરૂપ છે. ડો.અક્ષય કહે છે કે અહી દાખલ થતા કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને દવા, ચા, નાસ્તો સહિત બે ટાઈમ ભોજન વિનામૂલ્યે આપવામાં આવી રહ્યું છે.
આ સેન્ટરમાં બે ડોક્ટર અને ચાર નર્સિંગ સ્ટાફ દર્દીઓની ખડેપગે સેવા સારવાર કરી રહ્યો છે.દર્દીઓનું દર બે કલાકે ઓક્સિજનની પણ ચકાસણી કરવા સાથે જરૂરી દવાઓ પણ સમયસર આપવામાં આવી રહી છે.
ડો.અક્ષય ઉમેરે છે કે આ સેન્ટરમાં એવા દર્દીઓ પણ સાજા થયા છે કે જેમનું ઓક્સિજન લેવેલ ૯૨ ટકા હોય ઉપરાંત સીટી સ્કેનમાં કોરોનાની અસર ૫૦ ટકા જોવા મળી હોય.કેર સેન્ટરનો સ્ટાફ પુરી કાર્યક્ષમતા અને સમર્પિત સેવા ભાવથી દર્દીઓની સારવાર કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ સેન્ટરમાં મધ્યસ્થ જેલના કેદીઓને રાખવામાં આવ્યા હતા.