Western Times News

Gujarati News

ઓક્સિજન લેવલ ૬૦, ફેફસામાં ૮૫ ટકાથી વધારે સંક્રમણ છતાં સુશિલાબેને કોરોનાને હરાવ્યો

ગંભીર સ્થિતિ હોય ત્યારે પતિ અને પત્ની એકબીજાનું મનોબળ વધારીને સધિયારો આપતા પતિ-પત્નીએ ICUમાં સજોડે કોરોનાને હરાવ્યો

પતિ-પત્નીનો સાથ સાત જન્મ સુધી બંધાયેલો હોય છે તેવી માન્યતા બંધાયેલી છે.જે જીવનની સારી અને નરસી તમામ પરિસ્થિતિમાં ગમે તે ભોગ સાથ આપે તેને જ જીવનસાથી કહેવાય છે. આવા સાથીના સહયોગના કારણે જીવનના ગમે તેટલી વિકટ પરિસ્થિતિ પણ સરળતાથી સામનો કરી શકાય છે.

જીવનસાથીનો પરસ્પર પ્રેમનો આવો જ કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝિગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં જોવા મળ્યો, જેમાં પતિ-પત્નીએ ગંભીર સ્થિતિ હોય ત્યારે પતિ અને પત્ની એકબીજાનું મનોબળ વધારીને સધિયારો આપ્યો અને એ રીતે સજોડે કોરોનાને હરાવ્યો છે.

ગાંધીનગરના પતિ-પત્ની શ્રી દિનેશભાઇ મોદી અને સુશીલાબેન મોદી કોરોનાથી સંક્રમિત થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. શ્રીમતી સુશીલાબેન મોદીને ફેફસામાં કોરોનાનું સંક્રમણ ૮૫ ટકા સુધીનું હોવાના કારણે તેઓને બાય-પેપ વેન્ટિલેટર પર રાખવાની પરિસ્થિતિ સર્જાઇ જ્યારે તેમના પતિ દિનેશભાઇ મોદીના ફેફસામાં પણ ૬૫ ટકા જેટલું સંક્રમણ હોવાથી તેઓ એન.આર.બી.એમ. માસ્ક પર હતા.

આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ તેઓ બંનેએ એક બીજાનો સાથ ન છોડ્યો. એક તબક્કે પત્ની સ્થિતિ વધુ ગંભીર બની, જ્યારે પતિ સહેજ સામાન્ય સ્થિતિમાં હતા. એ વખતે દિનેશભાઈ પોતાની પત્નીને માનસિક રીતે સશક્ત રાખવા તમામ પ્રયત્નો કરતા.

સારવાર દરમિયાન પત્નીનો જુસ્સો થંભી ન જાય તે માટે તેઓનું મનોબળ વધારતા. ઘણા સમયે પત્ની જમવાનું કે પાણી પીવાની ના પાડે ત્યારે પોતાના હાથે પાણી પણ પીવડાવતા. પોતાના પતિની આ હૂંફ અને સેવાભાવનાના કારણે અને તબીબોની સઘન સારવારથી શ્રીમતી સુશીલાબહેન મોદી ફક્ત ૬ દિવસમાં સાજા થઇ ગયા.

વળી એક પળ એવી પણ આવી કે સુશીલાબહેન જ્યારે સાજા થઇ રહ્યાં હતા ત્યારે તેમના પતિ શ્રી દિનેશભાઇની સ્થિતિ થોડી ગંભીર બની. તે સમયે પત્ની સુશીલાબેન મોદીએ તેમને પીઠબળ આપીને તેમની સારવારની સાથે સાથે તેમને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં અગત્યની ભૂમિકા ભજવી.

જીવનના તમામ સંધર્ષ વચ્ચે કોરોનો વોર રૂમમાં પણ ખેલાયેલ સંઘર્ષમાં પણ આ દંપતિએ એકસંપ થઇને લડત આપી અને ફક્ત ૬ દિવસના ટૂંકા ગાળામાં બંને સાજા થઇને હર્ષભેર પોતના ઘરે પરત ફર્યાં.

તબીબ ડૉ. કાર્તિકેય પરમારનું કહેવું છે કે, સુશીલાબેન મોદી જ્યારે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા ત્યારે તેમનું ઓક્સિજન સ્તર ઘટીને ૬૦ સુધી પહોંચી ગયું હતુ. અને ફેફસાના રિપોર્ટ કઢાવતા તેમાં ૮૫ ટકા જેટલું સંક્રમણ જોવા મળ્યું હતુ. જેથી તેઓને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર આપવાની જરૂરિયાત ઉભી થઇ.

પ્રોગ્રેસિવ સારવારના કારણે ઝડપી પરિણામો મળ્યા. તેમના પતિ દિનેશભાઇનું ઓક્સિજન સ્તર પણ ૬૫ થી ૭૦ સુધી રહેતું હતું. તેમના ફેફસામાં ૬૫ ટકા જેટલું સંક્રમણ હતુ. આ દંપતિ હવે હોસ્પિટલની સધન સારવારના કારણે ખૂબ જ ઝડપભેર સાજું થઇ ઘરે પરત ફર્યું છે.

દિનેશભાઇ મોદી કહે છે કે, ૧૨૦૦ બેડ હોસ્પિટલના આરોગ્ય સ્ટાફના હકારાત્મક વલણે અમારો આત્મવિશ્વાસ ટકાવી રાખ્યો હતો. અહીંના તમામ સ્ટાફ મિત્રો ખુબ જ સહાયરૂપ છે. હોસ્પિટલમાં મળતું ભોજન ખુબ જ સાત્વિક હતું. હોસ્પિટલની સ્વચ્છતા પણ અવિસ્મરણીય હતી. હોસ્પિટલમાં મળતી તમામ પ્રકારની સુવિધા અને સધન સારવાર ના કારણે જ અમે અતિ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવીને સાજા થયા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.