ગીર-સોમનાથ જિલ્લામાં RT-PCR અને એન્ટીજન ટેસ્ટ દ્વારા ૧૯૯૩૨૭ લોકોના આરોગ્યની તપાસણી
જિલ્લામાં ૩૪ ધન્વન્તરી રથના માધ્યમથી ૭૯૨૯૧૭ લોકોના આરોગ્યની તપાસ કરી પ્રાથમિક સારવાર અપાઇ
દેશમાં વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારશ્રી દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા અને લોકોના આરોગ્યની ચિંતા કરી અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોરોનાના સંક્રમણથી લોકોને બહાર લાવવા સરકાર કટિબધ્ધતા અને સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે.
કોરોનાની મહામારીમાં રસીકરણ મુકવાની કામગીરીને વેગવંતી બનાવી કોરોનાને હરાવવા સતત ઝુંબેશરૂપી કાર્ય થઇ રહ્યું છે. જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં પણ જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યની ચિંતા કરી ઝુંબેશના સ્વરૂપે પ્રતિબધ્ધતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે.
ગીર-સોમનાથ જિલ્લાનાં વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર, ઉના અને ગીરગઢડા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ૬૨૨૬૨ આર.ટી.પી.સી.આર. અને ૧૩૭૦૬૫ એન્ટીજન ટેસ્ટ દ્વારા કુલ ૧૯૯૩૨૭ લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી.
તેમજ જિલ્લામાં ફરતા ૩૪ ધન્વન્તરી રથના માધ્યમથી અત્યાર સુધી ૭૯૨૯૧૭ લોકોના આરોગ્યની તપાસ કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
ઉપરાંત જિલ્લામાં તેમજ શહેરમાં કોરોના સંક્રમણને ખાળવા વ્યાપક રસીકરણ સાથે લોકો માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તે અંગે પણ તકેદારી લેવામાં આવી રહી છે.