Western Times News

Gujarati News

સિવિલ હોસ્પિટલની સારવારથી નવી જિંદગી મળી છેઃ ભાવનાબેન મકવાણા

જૂનાગઢ સિવિલમાં કોરોનાની શરૂઆતમાં ૪૪૦ બેડ હતા આજે વધારીને ૯૪૦ બેડની સુવિધા-ઓકિસજન માટે ૨૦,૦૦૦ લીટરની એક અને ૧,૦૦૦ લીટરની ૪ ટેંકની સુવિધા

બાટવાના ભાવનાબેન મકવાણાનું ઓક્સિજન લેવલ ૬૫ છે. બાટવાના જ મુક્તાબેન કવાનું ઓક્સીજન લેવલ ૬૦ છે. ખાનગી હોસ્પિટલમાં ખર્ચની સમસ્યા સાથે બેડની સમસ્યા પણ છે. આ બન્ને કોરોના પેશન્ટ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય છે. ઓક્સિજન બેડની સવલત મળે છે. સિવિલના તબીબો સારવાર શરૂ કરે છે. અને ૬ દિવસની સારવારના અંતે આ બહેનો સ્વસ્થ થાય છે.

આ વાત ભાવનાબેન અને મુક્તાબેન એકલાની નથી અહીં રોજ ૧૨૦ જેટલાં કોરોના પોઝીટીવ દર્દીઓ સ્વસ્થ થઇને ઘરની વાટ પકડે છે. ભાવનાબેને કહ્યું કે, સિવિલ હોસ્પિટલની સારવારથી મને નવી જિંદગી મળી છે. દિવસે તો તબીબો અને પેરામેડીકલ સ્ટાફ સારવાર દેખભાળ કરે જ પરંતું રાત્રે પણ ૩ થી ૪ વાર અમારી તપાસ કરતા. આ મારો જાત અનુભવ છે. આજે હું મારા પરિવાર સાથે છું, સરકારી સિવિલ હોસ્પિટલ થકી.

બાટવાના જ મુક્તાબેન કવા કહે છે હુ સિવિલમાં આવી ત્યારે ઓક્સિજન લેવલ ૬૦ હતું હવે તો ભગવાન બચાવે તેવી પ્રાર્થના કરતી હતી. પરંતું સિવિલમાં ઓક્સિજન બેડ મળ્યો અને ડોક્ટરોને જરૂર જણાતા પાંચ રેમડેસીવીર ઇંજેક્શન આપવામાં આવ્યા તેના પરિણામે આજે હું મારા પરિવાર સાથે છું. ગુજરાત સરકારે ઉભી કરેલી આ વિશાળ હોસ્પિટલ આજે અનેક દર્દીઓના જીવન બચાવી રહી છે.

જૂનાગઢ સિવિલમાં કોરોનાની શરૂઆતમાં ૪૪૦ બેડની વ્યવસ્થા હતી. તેમ જણાવી સિવિલ સર્જન ડો. સુશીલ કુમારે કહ્યું કે, જરૂરિયાત વધતા તાત્કાલીક ધોરણે બેડમાં ક્રમશઃ વધારો કરી આજે ૯૪૦ બેડ કર્યો છે. સિવિલના ૩ થી ૮ એમ છ માળ ઉપર માત્રને માત્ર કોરોના પેશન્ટને સારવાર આપવામાં આવી રહી છે. ૧૫૦ જેટલા ઇન્ટર્ન તબીબો ૧૫૦ જેટલાં ફાઇનલ ઈયરના તબીબ સ્ટુડન્ટ ૪૦ થી વધુ ડોક્ટરોની ટીમ શીફ્ટમાં કોરોના પેશન્ટ માટે સતત સેવારત છે. તબીબો પેશન્ટની સારવારમાં કોઇ કચાસ રાખતા નથી.

સિવિલમાં ઓક્સીજન કેપેસીટીમાં જરૂર મુજબ વધારો કરાયો છે. પ્રથમ જમ્બો બાટલાની સુવિધા હતી. જેમ જરૂરિયાત વધતાં ૧,૦૦૦ લીટરની ૪ ટેંકની વ્યવસ્થા કરી. વધુ જરૂરિયાત જણાતા ૨૦,૦૦૦ લીટરની ટેંક તાત્કાલીન ધોરણે ઉભી કરી. આમ દર્દીઓની સંખ્યા વધતાં હોસ્પિટલની સુવિધામાં સમયાંતરે વધારો કરાયો છે. મહત્તમ ક્ષમતાથી તબીબી સેવાઓ આપવામાં આવી રહી છે. તેમ જણાવી ડો. સુશીલ કુમારે કહ્યું કે, આજે સૌના સહકારની જરૂર છે. દર્દીઓની સારવારમાં અમે કોઇ કમી રહેવા દેશું નહીં..


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.