બર્થ ડે પર દીપિકા ચીખલિયાને લક્ષ્મણે શુભેચ્છાઓ પાઠવી
દીપિકાને જન્મદિવસ પર સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ અને મિત્રો તરફથી શુભકામનાઓ મળી રહી છે
મુંબઈ, રામાયણ સીરિયલમાં સીતા માતાનો રોલ કરીને જાણીતાં થયેલી દીપિકા ચીખલિયાનો આજે (૨૯ એપ્રિલ) ૫૬મો જન્મદિવસ છે. દીપિકાને જન્મદિવસ પર સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ અને મિત્રો તરફથી શુભકામનાઓ મળી રહી છે.
‘રામાયણ’ સીરિયલમાં લક્ષ્મણનો રોલ કરનારા એક્ટર સુનીલ લહેરીએ પણ જૂની તસવીર શેર કરીને ઓન-સ્ક્રીન ભાભી’ને શુભકામના પાઠવી છે. દીપિકાની આજના સમયની અને રામાયણના દિવસોની તસવીરનું કોલાજ શેર કરતાં સુનીલ લહેરીએ લખ્યું, દીપિકાજી (સીતા માતા)ને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભકામનાઓ.
ભગવાન તેમની દરેક મનોકામના પૂરી કરે અને તેમને હંમેશા સ્વસ્થ તેમજ ખુશ રાખે. દીપિકા ચીખલિયાએ પણ સુનીલની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને જન્મદિવસની શુભકામનાઓ માટે આભાર માન્યો છે. દીપિકાએ લખ્યું, થેન્ક્યૂ દિયરજી, તમે શ્રેષ્ઠ છો. દીપિકા ચીખલિયાએ પોતાના ઘરે સ્વાદિષ્ટ કેક કાપીને બર્થ ડેની ઉજવણી કરી હતી.
બ્લેક આઉટફિટમાં દીપિકા ખૂબ જ સુંદર લાગતા હતા. દીપિકાની વાત કરીએ તો તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આજે તેમનો જન્મદિવસ છે ત્યારે સાંજે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરીને ફેન્સ સાથે વાતચીત કરશે. દીપિકા પોતાના સોશિયલ મીડિયા પર જૂની કે નવી તસવીરો શેર કરતાં રહે છે અને એ તસવીરો સાથે જાેડાયેલા કિસ્સા પણ લખતા રહે છે.
ગયા વર્ષે લોકડાઉન થયું ત્યારે ‘રામાયણ’નું પુનઃ પ્રસારણ થયું હતું. ત્યારે અરુણ ગોવિલ, સુનીલ લહેરી, દીપિકા ચીખલિયા સહિતના શોના કલાકારોની પોપ્યુલારિટીમાં ઓર વધારો થયો હતો. સાથે આ શોએ ટીઆરપીના રેકોર્ડ તોડ્યા હતા. ‘રામાયણ’ની કાસ્ટ ‘ધ કપિલ શર્મા શો’માં પણ આવી હતી.
‘રામાયણ’ બાદ દીપિકાએ ઘણાં શો અને ફિલ્મો કર્યા પરંતુ સીતા માતાના રોલ જેટલી પ્રસિદ્ધિ ના મળી. ૨૦૧૯માં દીપિકા આયુષ્માન ખુરાના અને યામી ગૌતમની ફિલ્મ ‘બાલા’માં જાેવા મળ્યા હતા. ફિલ્મમાં દીપિકાએ આયુષ્માન ખુરાનાની સાસુનો રોલ કર્યો હતો.