ઓપરેશન બાદ હૉસ્પિ.માંથી ભાગેલા દર્દીને મોત મળ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/Death-1024x680.jpg)
પ્રતિકાત્મક
દર્દીની લાપરવાહીના કારણે તેણે પોતે જ જીવ ગુમાવી દીધો હોવાની ચર્ચા, મોત બાદ પરિવાર રઝળી ગયો
રાજકોટ, રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ ૩૬ વર્ષીય વ્યક્તિને હોસ્પિટલમાંથી નાસી જવું ભારે પડ્યું છે. હોસ્પિટલમાંથી નાસી ગયા બાદ તબિયત વધુ લથડતા હોસ્પિટલ થી થોડે દુર જ્યુબેલી પાસેના વોકળામાંથી આ દર્દીની લાશ મળી આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જુબેલી ગાર્ડન નજીક આવેલી પ્રભુકૃપા હોસ્પિટલની સામે વોંકળા માંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તો સાથે જ ડીસીપી પ્રવીણ કુમાર મીણા એસીપી ટંડેલ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ત્યાર બાદ મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરાતા મૃતક જસદણના લાતી પ્લોટ માં રહેતો નિતીન ભીખાભાઈ બારૈયા હોવાનું ખુલ્યું હતું. પોલીસે મૃતક અંગે વધુ તપાસ હાથ ધરતાં મૃતકને લીવરની તકલીફ હોય જેના કારણે સોમવારના રોજ તેને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
મંગળવારના રોજ તેનું સફળ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. ગુરૂવારના રોજ પત્ની ન્હાવા ગઈ હતી ત્યારે મૃતક નીતિનભાઈ હોસ્પિટલના બિછાનેથી નાસી છૂટયા હતા. સમગ્ર મામલે પત્ની દ્વારા પોલીસને તેમના પતિ ઈમરજન્સી વોર્ડમાં થી ગુમ થયાની જાણ પણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ સુત્રોનું માનીએ તો સિવિલ હોસ્પિટલમાંથી નાસી છૂટયા બાદ વોંકડા પાસે પહોંચતા વધુ તબિયત લથડતા નીતિનભાઈનું મોત નિપજયુ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
નીતિનભાઈ ના પરિવાર ની વાત કરવામાં આવે તો બે ભાઈ અને બે બહેન માં તેઓ નાના હતા. તેઓ જસદણ ની અંદર છૂટક સફાઈ કામ કરતા હતા. સંતાનમાં તેઓને એક પુત્ર અને પુત્રી છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમના પત્ની અમીબેનને જણાવ્યું હતું કે, ઓપરેશન કરાવ્યા બાદ તબીબોએ પાણી પીવાની ના પાડી હતી તેમ છતાં મારા પતિ વારંવાર પાણી માંગતા હતા. આજરોજ જ્યારે પોલીસને નીતિનભાઈ ની મૃત હાલતમાં લાશ મળી ત્યારે પણ તેઓના શરીરમાં પેટમાં બંને સાઇડ ઓપરેશન વખતે મૂકવામાં આવતી નળીઓ ભરાવેલી હતી.