Western Times News

Gujarati News

ભરુચની વેલફેર કોવિડ હોસ્પિ.માં દાખલ અન્ય દર્દીઓને જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં શીફ્ટ કરાયા

 રાત્રે ભીષણ આગથી ૧૮નાં મોત

ભરૂચ, ભરૂચ શહેરની વેલફેર હોસ્પિટલ સ્થિત કોવિડ સેન્ટરના આઈસીયુમાં રાતે પોણા એક વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં ૧૮ લોકો ગંભીર રીતે દાઝી જવાથી મોતને ભેટયા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ ભરૂચ જંબુસર બાયપાસ પર આવેલી વેલફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી.

જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહીં હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ વોર્ડના આઈસીયુ-૧માં અચાનક આગ લાગતા ૧૮ જેટલા દર્દીઓ બળીને ભડથું થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે.

હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર તા. ૩૦ એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલાના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના ૪ થી ૫ હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે આજીજી કરી રહ્યાં હતા. હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી ભયંકર આગમાં ૧૨ જેટલા દર્દીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા

જ્યારે અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે ૨૫ થી વધુ એમ્બ્યુલન્સો બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રીગેડના વાહનોઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગયા હતા.

ગુજરાતમાં કોરોનાની મહામારી સાથે સાથે કોવિડ-૧૯ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ મહામારીની જેમ બેફામ બની છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં પણ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ આઈસીયુની આગમાં લપેટાયા છે. છેલ્લા એક વર્ષમાં ભરૂચની ઘટના મળી પાંચ અગ્નિકાંડ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.