Western Times News

Gujarati News

એસ્સારએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓક્સિજનના સપોર્ટ સાથે 100-બેડનું કોવિડ કેર સેન્ટર સ્થાપિત કર્યું

ખંભાળિયા, એસ્સારે જણાવ્યું હતું કે, કંપનીએ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 100 બેડનું વિશિષ્ટ કોવિડ કેર સેન્ટર સ્થાપિત કર્યું છે, જે ઓક્સિજનના પુરવઠા સાથે સજ્જ છે અને એને ખંભાળિયા સિવિલ હોસ્પિટલ દ્વારા ઓપરેટ કરવામાં આવશે.

ખંભાળિયાના કાજુરડા ગામમાં સ્થિત 100-બેડના આ કેન્દ્રનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ કર્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમે કર્યું હતું.

આ કેન્દ્ર ઓક્સિજનના સપોર્ટ સાથે સજ્જ છે, જે દેશમાં કોવિડની બીજી લહેર દરમિયાન મહત્વપૂર્ણ બની ગયો છે. એમાં લોકોની તબીબી જરૂરિયાતો પૂરી કરવા ડબલ ઓક્યુપન્સી ધરાવતા 40 રુમ અને સિંગલ ઓક્યુપન્સી ધરાવતા 20 રૂમ છે. કેન્દ્ર સુવિધામાં ભરતી થયેલા દર્દીઓ માટે સ્વસ્થ ભોજનની અને હાઉસકીપિંગની જરૂરિયાતો પણ પૂર્ણ કરશે. અગાઉ તાલીમ કેન્દ્રના મનોરંજન હોલને હોસ્પિટલના સ્ટાફ માટે વહીવટી કેન્દ્ર તરીકે પરિવર્તિત કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર હોસ્પિટલના સ્ટાફ માટે વહીવટી કેન્દ્ર સાથે પણ સજ્જ છે.

આ કેન્દ્ર એસ્સારની કંપનીઓ – એસ્સાર પોર્ટ્સ લિમિટેડ અને એસ્સાર પાવર લિમિટેડે સંયુક્તપણે સ્થાપિત કર્યું છે તેમજ જરૂરિયાત મુજબ એમાં વિવિધ સુવિધાઓ વધારવામાં આવશે. ગયા વર્ષે એસ્સારે આ વિસ્તારના લોકોને રોગચાળામાં આવકારદાયક રાહત પ્રદાન કરવા વિવિધ પહેલો હાથ ધરીને સપોર્ટ આપ્યો છે.

એસ્સાર કેપિટલના ડાયરેક્ટર શ્રી પ્રશાંત રુઇયાએ કહ્યું હતું કે, “એસ્સારનો ગુજરાતના લોકો સાથે ગાઢ સંબંધ છે અને છેલ્લાં પાંચ દાયકાથી દેશમાં અગ્રણી બિઝનેસ ગ્રૂપ તરીકે એની વૃદ્ધિમાં સતત સાથસહકાર આપવા બદલ તેમના ઋણી છીએ.

આ કેન્દ્ર સુલભ સ્થળે સ્થાનિક લોકોને સમયસર તબીબી સારવાર પ્રદાન કરવા અને આ રોગચાળા સામેની લડાઈમાં સરકારના પ્રયાસોને ટેકો આપવા અમારો પ્રયાસ છે. હું રોગચાળા સામે લડવા તેમના તમામ પ્રયાસો બદલ રુપાણીસાહેબ, પૂનમબેન અને સંપૂર્ણ જિલ્લા વહીવટીતંત્રનો આભાર માનું છું તેમજ ગુજરાતમાં દરેકને સ્વસ્થ અને સલામત રહેવાની શુભેચ્છા આપું છું.”

ગયા વર્ષે એસ્સારે સમગ્ર દેશમાં કોવિડ19 પહેલોમાં એસ્સાર ફાઉન્ડેશનના પ્રદાન સ્વરૂપે બે મિલિયન મીલ્સ અને 1.55 લાખ મેડિકલ સપ્લાય પ્રદાન કર્યુ હતું.

જામનગરના આદરણીય સાંસદ શ્રીમતી પૂનમબેન માડમે કહ્યું હતું કે, “કોરોના મહામારી સામેની લડાઈમાં એસ્સારે માનવ જીંદગીને બચાવવા માટે ઓક્સીજનની સુવિધા સાથે સંપૂર્ણ સાધન-સુવિધા સજ્જ 100 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરી દેવભૂમિ દ્વારકા જીલ્લાની જનતાને એક આશિર્વાદરૂપ ભેટ ધરી છે,

જીલ્લાનાં વહીવટીતંત્ર તથા રાજ્ય સરકારનાં માર્ગદર્શન હેઠળ આ કોવીડ કેર સેન્ટરમાં કોરોના દર્દીને તમામ સારવાર, ભોજન વગેરે વિનામુલ્યે મળનાર છે, જેનો લાભ જીલ્લાનાં લોકોને મળશે. ડોક્ટરો સહિતનાં તમામ સ્ટાફ માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. જેથી આ એક શ્રેષ્ઠ સારવાર કેન્દ્ર બની રહેશે. એસ્સારને ખૂબ ખૂબ અભિનંદન તથા મારા સંસદીય વિસ્તારમાં ઉતમ કક્ષાની સારવાર માટેનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવા બદલ હૃદયપૂર્વક આભાર.”

કોવિડ-19 રોગચાળાની બીજી લહેરમાં ઇન્ફેક્શન્સમાં જબરદસ્ત વધારાથી કેટલાંક રાજ્યોમાં હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડની ખેંચ ઊભી થઈ છે. સ્થાનિક વહીવટીતંત્ર ઓક્સિજનના સીલિન્ડર્સ, હોસ્પિટલ બેડ, પ્લાઝમા ડોનર્સ અને વેન્ટિલેટર્સ માટે લોકો સાથે એસઓએસ કોલ સાથે સંપર્કમાં છે.

આ કેન્દ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની આસપાસના ગામડાના લોકોને સેવા આપશે, જ્યાં કોવિડ-19 ઇન્ફેક્શનમાં વધારો જોવા મળે છે તેમજ સ્થિતિને સંભાળવા સત્તામંડળોને જરૂરી સાથસહકાર આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.