ગુજરાતનાં ૬૧માં સ્થાપના દિવસની કરાયેલી ઉજવણી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/06/gujarat-map-1024x811.jpg)
સમગ્ર દેશમાં ગુજરાતનું વિકાસ મોડલ પ્રખ્યાત છે ગુજરાતી લોકો દેશ-વિદેશમાં વેપાર માટે પ્રખ્યાત છે
અમદાવાદ, ગુજરાતનો ૬૧મો સ્થાપના દિવસ છે. ૧ મે, ૧૯૬૦ના રોજ દ્વીભાષી મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત અને મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની રચને સ્ટેટ રીઓર્ગેનાઈઝેશન એક્ટ-૧૯૫૬ના આધારે કરવામાં આવી હતી.
ભારત દેશને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતના પોરબંદરના વતની હતા. આઝાદી પછી દેશી રજવાડાઓનો ગુજરાતમાં વિલય કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતના હતા. અત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના છે અને પ્રધાનમંત્રી બનતા પહેલાં તેઓ સતત ત્રણ કાર્યકાળ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને શ્રીમંત મુકેશ અંબાણી પણ ગુજરાતના છે. આજે વિશ્વભરમાં અનેક જગ્યાએ ગુજરાતીઓ પોતાનો ડંકો વગાડી રહ્યાં છે. સમગ્ર દેશમાં ગુજરાતનું વિકાસ મોડલ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો દેશ-વિદેશમાં વેપાર માટે પ્રખ્યાત છે. ગુજરાતી પ્રજા સાહસિક પણ એટલી જ છે.
માત્ર ભારતના ખૂણે-ખૂણે નહીં પરંતુ વિશ્વના દરેક દેશમાં ગુજરાતીઓ જઈને વસ્યા છે. એટલે જ કહેવાય છે કે, તમે વિશ્વમાં ગમે ત્યાં જાવ, ત્યાં તમને ગુજરાતી જરૂર મળી જશે. ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહાગુજરાત આંદોલનની મહત્તવની ભૂમિકા રહી છે. જાેકે, ૧૯૫૬માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું હતું.
બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જાેવા માંગતી હતી. ૧૯૫૬માં નાના પાયે આંદોલનની શરૂઆત થઈ હતી. ઈન્દુલાલ યાજ્ઞિક, ભાઈકાકા વગેરેએ આગેવાની લેવાની શરૂઆત કરી પછી આંદોલને મોટું સ્વરૂપ ધારણ કર્યું અને ‘મહાગુજરાત આંદોલન’ તરીકે પ્રસિદ્ધિ પામ્યું.
૧૯૫૬ની ૭મી ઓગસ્ટે એ વખતના કોંગ્રેસ હાઉસ ખાતે ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ કોંગ્રેસી નેતાઓને રજૂઆત કરવા ગયા હતા. વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકો હતા, પણ સામે થ્રી-નોટ-થ્રી રાઈફલ હતી. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર ગોળીબાર થયો.
આ ગોળીબારમાં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા. ગોળીબારને કારણે લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો. એ પછી કોંગ્રેસના સર્વોચ્ચ નેતા મોરારજી દેસાઈ અમદાવાદ આવ્યા તો લોકોએ સ્વયંભૂ કર્ફ્યુ પાળીને મોરારજીની નેતાગીરીને તમાચો માર્યો.