Western Times News

Gujarati News

માતા પિતા ગુમાવ્યા-યુવતીએ મદદરૂપ બનવા સામેથી કોવિડ ડ્યુટી સ્વીકારી

પ્રતિકાત્મક

કોરોનામાં અન્યનાં માતા અને પિતાની સારવાર કરીને હું મારા માતા પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું

રાજકોટ, દીકરીએ માતા પિતા ગુમાવ્યાને એક મહિનો પણ નથી થયો છતાં તેણે હાલની પરિસ્થિતિમાં અન્ય લોકોના માતા પિતાને મદદરૂપ બનવા સામેથી કોવિડ ડ્યુટી સ્વીકારી છે. પીડીયુ મેડિકલ કોલેજની બીજા વર્ષમાં અભ્યાસ કરતી અપેક્ષા મારડિયાએ. તે પોતાની વ્યથા જણાવતા કહે છે કે, મારા માતા પિતા હવે રહ્યા નથી, જેનું મને ખૂબ જ દુઃખ છે.

આ દુઃખને ભૂલાવીને પણ માનવજાત ઉપર આવી પડેલી આ વિકટ પરિસ્થિતિમાં હું અન્યોને મદદરૂપ થવા માંગુ છું. કોરોના સંક્રમણથી અન્ય લોકોના માતા – પિતાને બચાવીને મારે મારા માતા-પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવી છે, અનેક ગંભીર દર્દીઓનો અને તેમના પરિવારજનોનો જયારે મેડિકલ ટીમ પર ભરોસો છે, ત્યારે તેમની અપેક્ષા પરિપૂર્ણ કરવી જાેઈએ, તેવું સમજી તા. ૨૭ એપ્રિલ થી સમરસ કોવીડ સેન્ટર પર ફરજ બજાવવાનું અપેક્ષાએ શરુ કરી દીધું છે.

દર્દીઓના રિપોર્ટ્‌સ, ઓક્સિજન લેવલ ચેક કરવું, દવા આપવી, દર્દીના શિફટિંગ તેમજ અન્ય કામગીરીમાં મદદરૂપ બની રહી છે અપેક્ષા. તેમનો પ્રથમ અનુભવ જણાવતા કહે છે કે, હાલમાં જ એક ગંભીર દર્દીને પીડીયુ ખાતે શિફ્ટ કરવા સમયે દર્દીની સાથે એમ્બ્યુલન્સમાં સાથે જઈ દેખભાળ કરી, એટલું જ નહિ દર્દીને વેન્ટિલેર પર મુકાય ત્યાં સુધી મદદરૂપ બની.

હાલ એ દર્દીની સ્થિતિ સારી છે. જે તેના માટે આનંદની ક્ષણો હોવાનું અપેક્ષા જણાવે છે. અપેક્ષાના પિતાજી ગત. તા. ૬ એપ્રિલ અને માતા તા. ૧૦ એપ્રિલના રોજ કોરોનાના કારણે અવસાન પામતા તેના પર અપાર દુઃખ આવી પડ્યું, સાથે ૧૦ માં ધોરણમાં ભણતા નાના ભાઈના ઘડતરની પણ મોટી જવાબદારી આવી ચડી છે.

આ કપરી પરિસ્થિતિમાં તેણી ધારત તો ફરજનો અસ્વીકાર કરી શકે તેમ હતી, પરંતુ તેણે ફરજને પ્રાથમિકતા આપી. દુઃખી રહેવાને બદલે દર્દીઓની સારવારમાં જીવ રેડી દીધો હોવાનું સમરસ અધ્યક્ષ ચરણસિંહ ગોહિલ અને સિનિયર ડોક્ટર્સની ટીમ જણાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.