ખાનગી અને ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ૮,૦૦૦થી વધુ રેમડેસિવિર ઈન્જેકશનનું વિતરણ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/remdesivir-scaled.jpg)
સિંગરવા ખાતે ૨૦૦ બેડની વેદાંતા મેકશિફ્ટ હોસ્પિટલ માટેનું આયોજન
રસીકરણમાં અમદાવાદ જિલ્લો પ્રથમ, ૪ લાખથી વધુ લોકોનું રસીકરણ- ૧૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને ૫૪ બાયપેપમશીનની વ્યવસ્થા કરાશે
ટાટા, બિરલા, વેદાંતા અને ઝાયડસ જેવી સંખ્યાબંધ સખાવતી સંસ્થાઓએ સહાયની સરવાણી વહાવી.
અમદાવાદ જિલ્લામાં કોવીડ મહામારી સામે જિલ્લા વહીવટીતંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે અને નાગરિકોને તમામ આરોગ્યસુવિધાઓ પ્રાપ્ત થાય તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. જે અનુસાર જિલ્લામાં કોવીડ બેડની સંખ્યા ૩૦૦ થી વધારીને ૧૫૭૩ જેટલી કરી દેવાઈ છે.( ૧૫ માર્ચ-૨૭ એપ્રિલ, ૨૦૨૧). જેમાં ૪૦થી વધુ ખાનગી હોસ્પિટલના સહયોગથી ૧૦૨૪ જેટલા બેડની ક્ષમતા ઉભી કરાઈ છે. આ ઉપરાંત હજુ વધારાના ૨૦૦ બેડ માટે વેદાંતા હોસ્પિટલ સાથે વિચાર-વિમર્શ પ્રગતિ હેઠળ છે.
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના સિંગરવા ખાતે ૫૦ બેડ( ૩૨ ઓક્સિજનવાળા, ૧૮ ઓક્સિજન વિનાના)ની વધારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ ઉપરાંત જો પરિસ્થિતિ વિકટ થાય તો વધારાના બેડ ઉભા કરવા માટે પણ આયોજન સુનિશ્ચિત કરાયું છે. જે અન્વયે વેદાંતા ફાઉન્ડેશન-૧૦૦, ટાટા ફાઉન્ડેશન-૧૦૦, ઝાયડસ ફાઉન્ડેશન -૧૦૦ બેડની નવી વ્યવસ્થા ઉભી કરશે. આ ઉપરાંત બિરલા ફાઉન્ડેશને પણ જિલ્લામાં ૨ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેની તૈયારી દર્શાવી છે. કોઈ પણ નાગરિકને સાધનોને અભાવે જીવ ન ગુમાવવો પડે તે માટે ૩૦ જેટલા વેન્ટીલેટર(ઓન લોન) લેવા માટેનું આયોજન પણ પ્રગતિ હેઠળ છે.
અમદાવાદ જિલ્લામાં સાધનોની સાથે જરુરી માનવબળ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં ૨૦ જેટલા બોન્ડેડ ડોક્ટર્સ હાજર થયા છે અને નવી જાહેરાતના પગલે ૨૫૦ વધુ નર્સિંગ સ્ટાફ દર્દીનારાયણની સેવામાં કાર્યરત થયો છે.
નાગરિકનું જીવન અમૂલ્ય છે. અને તે ધ્યેયમંત્ર સાથે જ જિલ્લાના અધિકારીશ્રી અને પદાધિકારીશ્રીઓએ પોતાની ગ્રાંટ આરોગ્યવિષયક સેવાઓમાં ફાળવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની ગ્રાંટમાથી ૭ એમ્બ્યુલન્સ વાન, મોબાઈલ ટેસ્ટિંગ વાન તેમ જ ડિજિટલ એક્સરે મશીન, ઓક્સિજન કોન્સન્ટ્રટેર મશીનજેવા અત્યાધુનિક સાધનો માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે.
આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, કેબિનેટ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમ જ દસક્રોઈના ધારાસભ્યશ્રી અનેસાણંદના ધારાસભ્યશ્રીની ૨૫ લાખની ગ્રાંટ ફાળવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીની ડીએમએફ ગ્રાંટમાથી ૫૦ લાખ, ડીડીઓ ગ્રાંટમાંથી ૫૦ લાખ,
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીની ગ્રાંટમાથી રુ. ૫૦ લાખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રીની ગ્રાંટમાંથી રુ. ૨૫ લાખ,કારોબારી સમિતિની ગ્રાંટમાથી રુ. ૧૫ લાખ, કોવીડની એન.એચ.એમ ગ્રાંટમાંથી રુ. ૧ કરોડ, જિલ્લા પંચાયતની કોવીડ ગ્રાંટમાંથી રુ. ૫૦ લાખ એમ વિવિધ સ્ત્રોતમાંથી કુલ ૫ કરોડ અને ૧૫ લાખ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ રક્ષણાત્મક પગલા પણ લીધા છે અને તેથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં રસીકરણમાં અમદાવાદ જિલ્લો પ્રથમ સ્થાને છે. અમદાવાદ જિલ્લામાં આરોગ્યકર્મીઓ, ફ્રંટલાઈન વર્કરતથા ૪૫થી વધુ વર્ષના લોકો એમ કુલ ૪,૧૫,૭૩૩ લોકોનું રસીકરણ કરીને અભૂતપૂર્વ કામગીરી કરી છે.
એ જ રીતે અમદાવાદ જિલ્લામાં કોવીડગ્રસ્ત દર્દીઓને રાહત પહોંચે તે માટે સરકારી અને ખાનગી ડેઝીગ્નેટેડ કોવીડ હોસ્પિટલમાં ૮,૪૬૨ રેમડેસિવિર ઈન્જેકશનનું વિતરણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ જિલ્લામાં કોવીડનું સંક્રમણ અટકે તે માટે ૧૨૩ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને આશા બહેનો દ્વારા ૧૫,૪૯,૬૭૯ લોકોની આરોગ્યતપાસ કરાઈ છે. તેમ જ આરોગ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ૭, ૪૮,૬૫૦ ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે.
જિલ્લામાં ૩૦ જેટલા ધન્વન્તરી રથ દ્વારા ૧૦ લાખથી વધુ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે. અને ૪ લાખથી વધુ લોકોના કોવીડ ટેસ્ટ કરાયા છે. જેમાં ૫,૪૪૪ વ્યક્તિઓ કોવીડ પોઝીટીવ આવ્યા છે.આમ, સમગ્રપણે અમદાવાદ જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ,
શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુની આગેવાની હેઠળ “ટીમ અમદાવાદ” એ નાગરિકોને સુરક્ષા-કવચ પુરુ પાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.