દિલ્હીમાં રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોને દર મહિને ૫૦૦૦ રુપિયા રોકડા મળશે : કેજરીવાલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/kejriwal-scaled.jpg)
નવીદિલ્હી: દિલ્હી સરકારે ઓટો રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોને પ્રતિ મહિને રુ.૫૦૦૦ ની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે લોકડાઉનથી આર્થિક રીતે નબળા પડી રહેલા લોકોને અમે મદદ આપી છે. તેથી આવા લોકોનું ધ્યાન રાખવાની જવાબદારી સરકારની છે.
દિલ્હી સરકાર ૭૨ લાખ રેશન કાર્ડધારકોને બે મહિનાનું મફત રેશન આપશે. તેમણે કહ્યું કે ૧.૬૫ લાખ રિક્ષા ડ્રાઈવરો અને ટેક્સી ચાલકોને ૫૦૦૦ ની આર્થિક સહાય આપવામાં આવશે.કેજરીવાલે જણાવ્યું કે લોકડાઉન દરમિયાન ગરીબોને સૌથી વધારે આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય છે.તેથી તેમનો ખ્યાલ રાખવાનું સરકારે નક્કી કર્યું છે.
સીએમ કેજરીવાલે જણાવ્યું કે બે મહિનાના મફત અનાજ આપવાનો અર્થ બે મહિનાનું લોકડાઉન એવો નથી. આ તો નાણાકીય તંગી વેઠી રહેલા ગરીબોને સહાય કરવા માટે છે. તેમણે કહ્યું કે કોરોનાનો ફેલાવો અટકાવવા માટે લોકડાઉન જરુરી છે. પરંતુ લોકડાઉનને કારણે આર્થિક તંગી પણ સર્જાય છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પણ દિલ્હી સરકારે બાંધકામ મજૂરોને ૫૦૦૦ ની રોકડ સહાય આપવાની જાહેરાત કરી હતી. એક નિવેદન જારી કરીને દિલ્હી સરકારે જણાવ્યું હતું કે કુલ ૨,૧૦,૬૮૪ બાંધકામ મજૂરોને ૫૦૦૦ ની સહાય આપવામાં આવશે.