રવિના ટંડને દિલ્હી ૩૦૦ ઓક્સિજન સિલિન્ડર મોકલ્યા
મુંબઈ: કોરોના વાયરસની બીજી લહેરને કારણે આખા દેશમાં હાહાકાર મચી ગયો છે. લોકોને સારવાર મેળવવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં બોલિવૂડ સેલેબ્સ પણ લોકોની મદદ માટે સામે આવી રહ્યા છે. સોનૂ સુદ, પ્રિયંકા ચોપરા, ટિ્વન્કલ ખન્ના, ભૂમિ પેડનેકર વગેરે જેવા અનેક કલાકારો શક્ય હોય તેટલી લોકોની મદદ કરી રહ્યા છે.
આ યાદીમાં રવિના ટંડનનું નામ પણ ઉમેરાયું છે. રવિનાએ મદદ તો કરી જ છે, પરંતુ સાથે જ હોસ્પિટલોની દાદાગીરી પર આક્રોશ પણ વ્યક્ત કર્યો છે. રવિના સામાન્ય લોકો સુધી ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવાની વ્યવસ્થા કરી રહી છે અને મહત્તમ લોકો સુધી મદદ પહોંચાડી રહી છે. તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર દરરોજ ઘણાં બધા મેસેજ આવે છે
રવિના તેમને જવાબ પણ આપે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે મહત્તમ લોકો સુધી મદદ પહોંચી શકે તે માટે એક ટીમ તૈયાર કરી છે. રવિના કહે છે કે, જે થઈ રહ્યું છે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. વિનાશની પરિસ્થિતિ લાગી રહી છે. લોકોને હોસ્પિટલોમાં લૂંટવામાં આવી રહ્યા છે. મોંઘી દવા અને ઈન્જેક્શન માટે તેમણે ઘણાં પૈસા ચુકવવા પડી રહ્યા છે.
લોકોની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. રવિનાએ જણાવ્યું કે, અમારી પાસે એક એવી ટીમ છે જે ભારતભરમાંથી આવતા મદદની માંગના મેસેજનો જવાબ આપે છે. ઓક્સિજન કિટથી લઈને સિલિન્ડર સુધી, અમે શક્ય મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે પહેલા સુનિશ્ચિત કરીએ છીએ કે મદદ માંગનારને તેની જરૂર છે કે નહીં. નોંધનીય છે કે કોરોનાની બીજી લહેરમાં મોટા ભાગની હોસ્પિટલોએ ઓક્સિજનની કમીનો સામનો કરવો પડી રહ્યો છે.
તાજેતરમાં જ રવિનાએ ઓક્સિજનની ટ્રકની વ્યવસ્થા કરી હતી. રવિના જણાવે છે કે, અમે જરૂરતમંદ લોકોને ડાઈરેક્ટ ઓક્સિજન પહોંચાડી રહ્યા છીએ. ખાસકરીને એવા લોકોને જેમની પાસે હોસ્પિટલમાં ચુકવવાના પૈસા ના હોય. અમારા કામમાં પોલીસ અને એનજીઓ સપોર્ટ કરી રહ્યા છે.