કોવિડના ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ૫૦,૦૦૦ કરોડની લોન
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર વ્યાપી રહ્યો છે. અનેક રાજ્યોમાં લોકડાઉન કે લોકડાઉન જેવી સ્થિતિ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે એક ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર ઈકોનોમી માટે નુકસાનકારક છે અને રિઝર્વ બેંક સમગ્ર સ્થિતિ પર સંપૂર્ણપણે નજર રાખી રહી છે.
શક્તિકાંત દાસે કોવિડ સાથે સંકળાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૫૦,૦૦૦ કરોડની સસ્તી લોનની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, ભારત મજબૂત સુધારા તરફ આગળ વધી રહ્યું હતું. જીડીપીનો વધારો પોઝિટિવ થયો હતો પરંતુ બીજી લહેર આવી
ત્યાર બાદ છેલ્લા થોડા સપ્તાહમાં સ્થિતિ ખૂબ બગડી ગઈ છે. રિઝર્વ બેંક સતત સ્થિતિ પર નજર રાખી રહી છે.
શક્તિકાંત દાસે જણાવ્યું કે, કોવિડ સાથે સંકળાયેલા હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની રોકડ વ્યવસ્થા મળશે. તે અંતર્ગત બેંક વેક્સિન ઉત્પાદકો, આયાતકારો, હોસ્પિટલો, પેથોલોજી લેબ વગેરેને લોન આપશે. આ સુવિધા ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી અમલી રહેશે. આ લોન રેપો રેટ પર એટલે કે ખૂબ સસ્તા વ્યાજ દર પર હશે. ઉલ્લેખનીય છે કે, રેપો રેટ ફક્ત ૪ ટકા જ છે.