ઓક્સિજનની અછત સર્જાતા દર્દી પીપળાના ઝાડને સહારે
શારજહાપુર: દેશમાં કોરોનાનો કાળો કેર વર્તાયો છે. આ સાથે વધતા જતા કેસ અને ખૂટતી જતી સુવિધાઓ સામે લડવા લોકો તરણું શોધી રહ્યા છે. વિશ્વની મદદ છતાંય દેશને ભરડે લઈ રહેલો કોરોનાનો નવો સ્ટ્રેન અને ઓક્સિજન તથા હોસ્પિટલ બેડની અછત લોકોને જીવવા માટે નુસખાઓ કરવા પ્રેરે છે. આવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશના શારજહાપુરના બહાદુરગંજ વિસ્તારનો છે. જ્યાં કોવિડ પોઝિટિવ લોકો જાહેરમાં નદી પાસે આવેલ પીપળાના ઝાડ નીચે ઓક્સિજન લેવા માટે બેસે છે. આ પીપળાના ઝાડ નીચે પોઝિટિવ ટેસ્ટ આવ્યા બાદ બે પરિવારના અડધો ડઝન સભ્યો સુતા છે.
ઝાડની નીચે સુતેલી એક મહિલા ઉર્મિલા કહે છે કે, મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને અહીં કોઈ હોસ્પિટલ કે ઓક્સિજન સપોર્ટની સુવિધા નથી. કોઈએ મને કહ્યું કે પીપળાનું ઝાડ ઓક્સિજન આપે છે અને મારું કુટુંબ મને અહીં લાવ્યું છે. મને હવે વધુ સારું લાગે છું અને વધુ સારી રીતે શ્વાસ લઈ શકું છું. જાેકે, પછી સ્થાનિક ધારાસભ્યે આ વિસ્તારના લોકો માટે હોસ્પિટલમાં બેડની સુવિધા કરી આપી. પરંતુ ઉર્મિલાએ કહ્યું કે, તે પીપળાના ઝાડ નીચે સારૂં અનુભવતી હોવાથી તેને હોસ્પિટલમાં જવાની ઇચ્છા નહોતી. તેના પરિવારના સભ્યોએ કહ્યું કે, અમને કહેવામાં આવ્યું કે પીપળાના ઝાડ નીચે મહત્તમ ઓક્સિજન મળી રહે છે.
અમારી પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો, તેથી અમે મારી કાકીને અહીં લઈ આવ્યા અને તે હવે સ્વસ્થ થઈ ગઈ છે. મહત્ત્વની બાબત એ છે કે તેની તબિયત સુધારા પર છે અને ઓક્સિજન સપોર્ટની જરૂર નથી. લોકો શું કહે છે તેની અમને પરવા નથી. આને અંધવિશ્વાસ ગણવો કે માનસિક બળ એ સવાલ થાય છે, ત્યારે લખનઉના તબીબી નિષ્ણાતો દાવો કરે છે કે તેની અસર શારીરિક કરતાં વધુ માનસિક છે. કિંગ જ્યોર્જની મેડિકલ યુનિવર્સિટી (કેજીએમયુ)ના ડોકટરે કહ્યું કે, તે સંભવત તાજી હવા છે જે લોકોને સરળ શ્વાસ લેવામાં મદદ કરી રહી છે.