ગુજરાતી જાણતા નથી તેમ છતાં તમામ જરૂરી સારવાર સયાજી હોસ્પિટલમાં ઝારખંડના રવિકુમાર મળી
સયાજી હોસ્પિટલની સારવારથી ઝારખંડના રવિકુમાર કોરોનામાંથી મુક્ત થવાના માર્ગે…
સયાજી હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી વધુ સમયમાં ૨૦ થી ૨૨ હજાર શંકાસ્પદ અને પોઝિટિવ કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી છે: વિદેશથી આવેલા દેશના અન્ય રાજ્યોના ગુજરાતના અન્ય જિલ્લાઓના અને સ્થાનિક લોકોની સારવાર સતત ચાલુ છે: નોડલ અધિકારી…
વડોદરા, ઝારખંડના રવિકુમાર સયાજી હોસ્પિટલના ICU માં કોવિડની સારવાર લઈ રહ્યાં છે અને હવે લગભગ સાજા થવાની સમીપ પહોંચી ગયાં છે. તેઓ હિન્દી ભાષી છે, ગુજરાતી જાણતા કે સમજતા નથી, છતાં તેમને સારવાર લેવામાં કોઈ વાંધો આવ્યો નથી.
તેઓ કહે છે કે અહી મારી ઘર પરિવાર જેવી કાળજી લેવામાં આવી છે.તબીબો,નર્સો,સ્ટાફ બધાં જ દિવસ અને રાત કામ કરે છે. મારો મોબાઈલ પણ ચાર્જ કરી આપે છે જેથી હું મારા પરિવાર સાથે વાત કરી શકું છું. ભોજન,સાફ સફાઈ, ડાયપર બદલવા, બધું જ સમયસર કરવામાં આવે છે.
એસોસિયેટ પ્રાધ્યાપક ડો.દેવયાની દેસાઈએ જણાવ્યું કે, રવિકુમારની હાલત ગંભીર હતી. તેઓને બાય પેપ પર રાખી સારવાર આપી. હાલત સુધરતાં હાલ માસ્ક પર રાખ્યા છે. એમનું ઓક્સિજન લેવલ સ્થિર થયું છે.
દર્દીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને એને સાદા માસ્કથી લઈને વેન્ટિલેટર સુધીની સારવાર આપવામાં આવે છે. દર્દીઓની હાલતની સ્થિરતા પ્રમાણે એમના સ્વજનો સાથે વિડિયો કોલિંગથી વાત કરાવીએ છે. ઘણીવાર દર્દીઓ માસ્ક કાઢી નાંખી લાંબી વાત કરવાનો પ્રયત્ન કરે ત્યારે અટકાવીએ છે કારણ કે આવું કરવાથી માંડ સ્થિર થયેલું ઓક્સિજન લેવલ કથળે છે.
કોવિડ સારવારના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. કહે છે કે, અહીં વિદેશ પ્રવાસથી પરત ફરેલા, અન્ય રાજ્યોના, ગુજરાતના અન્ય જિલ્લાઓના અને સ્થાનિક, તમામ દર્દીઓની નિર્ધારિત પ્રોટોકોલ મુજબ કાળજી પૂર્વક સારવાર કરવામાં આવે છે.
તા.૧૮ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ પ્રથમ દર્દી આવ્યો તે પછી અત્યાર સુધીમાં ૨૦ થી ૨૨ હજાર શંકાસ્પદ કે પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. ચોવીસે કલાક સારવાર ચાલુ રહે છે. ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવના નેતૃત્વ હેઠળ ઓક્સિજન, વેન્ટિલેટર, આયાતી દવાઓ જેવા જરૂરી તમામ પ્રબંધો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે જરૂરી તમામ સાધન સુવિધાઓ આપી છે. સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે.
બેડની સંખ્યામાં ક્રમશઃ ૮૦૦ સુધી વધારો કરવામાં આવ્યો છે. કુલ ૧૪ જગ્યાઓ એ સારવાર સુવિધાઓ બનાવી છે જે પૈકી ૮ થી ૯ જગ્યાઓએ તો આઇસીયુ છે જ્યાં પ્રત્યેક પાળીમાં ૧૫૦ થી ૧૭૫ નો સ્ટાફ સેવા આપે છે. પ્રચંડ ગરમીમાં કીટ પહેરી ૮ કલાક કે તેથી વધુ સમય કામ કરે છે.
આટલી મોટી વ્યવસ્થામાં ક્યારેક કોઈ નાની મોટી ક્ષતિ ઉદભવે એ સહજ છે. પરંતુ તબીબો અને સ્ટાફ દર્દીઓને સાજા કરવાની નેમ સાથે અવિરત કામ કરે છે.