પુડ્ડુચેરીનાં નવા મુખ્યમંત્રી રંગાસામી કોરોના પોઝિટિવ
પોડિચેરી: દેશમાં કોરોના રોગચાળાની બીજી લહેર સુનામીનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે, જેના કારણે હવે સામાન્યથી લઇને વિશેષ પ્રત્યેક લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. દરમિયાન, પુડ્ડુચેરીનાં નવા મુખ્ય પ્રધાન એન.રંગાસામી પણ આ વાયરસની ઝપટમાં આવી ગયા છે. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું જણાવાયું છે, પરંતુ સાવચેતીનાં ભાગરૂપે ડોકટર્સે તેમને સારવાર માટે ચેન્નાઈની એન ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા છે. વળી તેમના ચાહકો તેમની રિકવર થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, રવિવારે પુડ્ડુચેરીની ઇન્દિરા ગાંધી સરકારી મેડિકલ કોલેજમાં રંગાસામીની તબિયત ખરાબ હોવાના કારણે તપાસ કરવામાં આવી હતી. જે બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અહી ચિંતાની વાત એ છે કે તેમણે બે દિવસ પહેલા જ રાજભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં શપથ લીધા હતા. હવે આરોગ્ય વિભાગની ટીમ તેમના સંપર્કમાં આવેલા લોકોનું મોનિટરિંગ કરી તેમને ક્વોરેન્ટીન કરી રહ્યા છે.
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા ૨.૨૬ કરોડને વટાવી ગઈ છે, જેમાંથી ૨.૪૬ લાખ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે ૧.૮૬ કરોડ લોકો રિકવર થઇ ચુક્યા છે. એક નાનું રાજ્ય હોવા છતાં, પુડ્ડુચેરીમાં પરિસ્થિતિ ખરાબ છે, અત્યાર સુધીમાં ૭૧,૭૦૯ કેસ નોંધાયા છે. જેમાંથી ૯૬૫ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે ૫૬૭૧૦ દર્દીઓ ઠીક થયા છે. આવી સ્થિતિમાં, એક્ટિવ કેસની સંખ્યા ૧૪૦૩૪ છે.