પુત્રના અંતિમ સંસ્કાર કરાયા ત્યાં માતા રોજ ઊંઘી જાય છે

લાડકવાયાને જાણે બાથ ભીડીને વહાલ કરતા હોય તેવી રીતે માતા ઊંઘી જાય છે અને પ્રિય પુત્રની યાદમાં વિલાપ કરે છે
પાલનપુર: ત્રણ દિવસ પહેલા મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી. આપણે ત્યાં એક કહેવત છે કે ‘મા તે મા બીજા બધા વગડાના વા.’ માતાની તોલે કોઈ ન આવે. મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં માતૃ પ્રેમના બે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે તેવા કિસ્સા સામે આવ્યા છે.
જેમાં બનાસકાંઠામાં કિસ્સામાં એક માતા તેના મૃતક દીકરાને જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યાં દરરોજ લાડકવાયાને જાણે બાથ ભીડીને વહાલ કરતા હોય તેવી રીતે ઊંઘી જાય છે અને પોતાના પુત્રની યાદમાં વિલાપ કરે છે. મંગળવારે જ મોરબીમાં એક ૯૦ વર્ષના વૃદ્ધાને પોતાના પુત્રએ સાવરણીથી માર્યાનો વીડિયો સામે આવ્યો હતો.
આ કિસ્સો મીડિયામાં ચમક્યો ત્યાર બાદ ૯૦ વર્ષના વૃદ્ધાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું કે, મારા પુત્રએ મને હાથ પણ નથી અડાડ્યો. મારો પુત્ર મને મારે જ નહીં! મારો પતિ મને મારતો હતો પણ દીકરો ક્યારેય ન મારે!
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જુનીરોહ ગામ ખાતે માતૃ પ્રેમનું એક ઉત્તમ ઉદાહરણ જાેવા મળ્યું છે. સ્થાનિક લોકો અને મીડિયામાં આ વાતને લઈને ભારે ચર્ચા જાગી છે. ગામમાં રહેતા મંગુબેન ચૌહાણ તેના મૃત પુત્રને યાદ કરીને દરરોજ કંઈક એવું કરે છે
જેનાંથી દ્રશ્યો જાેનાર લોકોની આંખો છલકાઈ જાય છે. મળતી માહિતી પ્રમાણે મંગુબેનના પતિનું ૧૦ વર્ષ પહેલા નિધન થયું છે. મંગુબેનને સંતાનમાં ચાર બાળકો છે. જેમાંથી ત્રણના લગ્ન થઈ ચૂક્યા છે. મંગુબેનના સૌથી નાના અને લાડકવાયા દીકરાનું નામ મહેશ.
આશરે એક મહિના પહેલા મહેશનું કોઈ પણ કારણે નિધન થયું. રેલવે ટ્રેક નજીકથી તેનો મૃતદેહ મળ્યો હતો. લાડકવાયા દીકરાનો મૃતદેહ જાેઈને માતા ભાંગી પડ્યા હતા. રડતી આંખે મહેશના આંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
જાેકે, આજની તારીખે પણ માતા તેના લડકવાયાને ભૂલી શક્યા નથી. મહેશના જે જગ્યાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે જગ્યાએ માતા આજે પણ જઈને રાખ પર ઊંઘી જાય છે.
જાણે કે દીકરાને બાથમાં લીધો હોય તે રીતે મંગુબેન અંતિમ સંસ્કાર સ્થળે જઈને ઊંઘી જાય છે. ગામ લોકોના કહેવા પ્રમાણે અવારનવાર આવું બને છે. ગામલોકોને જ્યારે ખબર પડે છે
ત્યારે તેઓ મંગુબેનને પરત ઘરે લાવે છે. મંગળવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. જેમાં એક દીકરો તેની ૯૦ વર્ષની વૃદ્ધ માતાને સાવરણીથી માર મારી રહ્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ તપાસના આદેશ અપાયા હતા.
દીકરાએ મીડિયા સમે કબૂલ કર્યું કે તેણે માતાને માર્યાં હતા, તેનાથી ભૂલ થઈ ગઈ છે. મોરબીના કાંતિપુર ગામના મનસુખ પરમાર નામના વ્યક્તિએ તેના ૯૦ વર્ષની વૃદ્ધ માતા રંભાબેનને માર માર્યો હોવાનું સામે આવ્યું હતું.