ભારતે ઉતાવળમાં આ કામ કરી નાખ્યું પરિણામે કોરોના મહામારી વિકરાળ બની, વિશ્વના ટોચના નિષ્ણાંતનો દાવો
નવીદિલ્હી: અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાંત ડોક્ટર એન્થની ફાઉચીએ તેમના દેશના સાંસદોને જણાવ્યું કે ભારત કસમયે દેશને ખોલી નાખ્યો જેને કારણે ગંભીર સંકટ સર્જાયું
કોવિડ-૧૯ પ્રતિક્રિયા પર મંગળવારે સુનાવણી દરમિયાન સેનેટની સ્વાસ્થ્ય, શિક્ષણ અને શ્રમ સમિતિ સમક્ષ બોલતાં ફાઉચીએ જણાવ્યું કે કોરોનાનો ખાતમો થઈ ગયો છે તેવી ભારતે ખોટી ધારણા બનાવી લીધી જેને કારણે ત્યાં મહામારી સંકટ ગંભીર બન્યું છે. ભારત કોરોનાની અભૂતપૂર્વ બીજી લહેરથી પ્રભાવિત છે. ઘણા રાજ્યોમાં હોસ્પિટલમાં બેડ, દવાઓ તથા ઓક્સિજનની અછત પ્રવર્તી રહી છે.
ડોક્ટર એન્થની ફાઉચીએ જણાવ્યું કે ભારત હાલમાં ગંભીર સંકટમાં છે તેનું કારણ એ છે કે ત્યાં વાસ્તવિક વધારો થયો હતો અને ભારતે ખોટી ધારણા બનાવી કે કોરોના ખતમ થઈ ગયો છે અને પછી થયું શું, તેમણે સમય પહેલા બધું ખોલી નાખ્યું અને હવે ત્યાં કોરોના ચરમસીમાએ પહોંચ્યો છે જેનાથી આપણે બધા પરિચિત છીએ કે તે કેટલો વિનાશનકારી છે.
ફાઉચીએ જણાવ્યું કે એક બોધપાઠ આપણે શીખવાની જરુર છે કે આ વૈશ્વિક મહામારી છે જેના માટે વૈશ્વિક પ્રતિક્રિયાની જરુર છે. દરેક જવાબદારી તરફ ધ્યાન આપવું પડશે કે આ ફક્ત આપણા દેશ પ્રત્યે નહીં પરંતુ બીજા દેશોની સાથે સામેલ થવાની પણ જરુર છે જેથી વેક્સિનેશનન પર આપણે દખલ આપી શકીએ. જાે દુનિયાના કોઈ પણ હિસ્સામાં વાયરસનો પ્રકોપ ચાલુ રહે તો તેને કારણે અમેરિકાને પણ ખતરો છે. ભારતમાં જે વાયરસ છે તે નવા પ્રકારનો છે તેથી આ થોડો બોધપાઠ છે જે ભારતની સ્થિતિ જાેઈને લઈ શકાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક સોમ્યા સ્વામીનાથને જણાવ્યું કે ભારતનો કોરોના સ્ટ્રેન અત્યંત ચેપી છે તે દુનિયા માટે ટેન્શન વધારનાર છે.
સોમ્યા સ્વામીનાથને જણાવ્યું કે ભારતમાં ફેલાઈ રહેલો કોવિડ-૧૯ નો સ્ટ્રેન ઘણો ચેપ ફેલાવી રહ્યો છે. આ સ્ટ્રેન ચિંતા ઊભી કરનાર છે. તેમણે જણાવ્યું કે મહામારીનું આજે જે ફિચર આપણે ભારતમાં જાેઈએ છીએ તે સંકેત આપી રહ્યો છે કે તે એક અત્યંત ઝડપથી ફેલાઈ રહેલો વેરિયન્ટ છે. ભારતમાં ગતા વર્ષના ઓક્ટોબરમાં બી.૧.૬૧૭ જાેવા મળ્યો હતો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ભારતના પ્રતિનિધિ ડો.રેડ્રોકો એચ ઓફ્રિન કોવિડ નિયમોની અવગણનાને વધારે દોષી માને છે. ભારતના લોકોએ કોરોનાને ફેલાવવાની તક આપી છે તેવું તેમનું કહેવું છે. યુનિસેફના પ્રતિનિધિ ડો.યાસ્મીન હકે જણાવ્યું કે કોરોનાથી થયેલી તબાહિની ભરપાઈ કરવામાં ભારતને ઘણા વર્ષો લાગી જશે. અમે બાળકો,ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પર કોરોનાની અસર જાેઈ શકીએ છીએ. ભારતની શિક્ષણ વ્યવસ્થા તો પહેલેથી ખરાબ છે.ભારતમાં કોરોનાની બીજી લહેરના કહેર વચ્ચે થોડાક દિવસથી નવા કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. પરંતુ ચિંતાની બાબત એ છે કે મૃત્યુઆંક સતત ચાર હજારની આસપાસ રહે છે.
મંગળવારના ૨૪ કલાકમાં પણ ચાર હજારથી વધુ સંક્રમિત દર્દીઓનાં મોત થયા છે. બીજી તરફ એક્ટિવ કેસો પણ ૩૭ લાખથી વધુ છે. દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૨.૫૪ લાખથી પણ વધી ગઈ છે.
૧૨ મે બુધવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ૨૪ કલાકમાં દેશમાં ૩,૪૮,૪૨૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૨૦૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૩૩,૪૦,૯૩૮ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૧૭,૫૨,૩૫,૯૯૧ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોના વાયરસની મહામારી સામે લડીને ૧ કરોડ ૯૩ લાખ ૮૨ હજાર ૬૪૨ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩,૫૫,૩૩૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩૭,૦૪,૦૯૯ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૨,૫૪,૧૯૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૧ મે સુધીમાં ભારતમાં કુલ ૩૦,૭૫,૮૩,૯૯૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મંગળવારના ૨૪ કલાકમાં ૧૯,૮૩,૮૦૪ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આંકડાના અનુસાર અત્યાર સુધી ૧,૯૩,૭૬,૬૪૮ લોકો સંક્રમિત થયા બાદ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે મૃત્યુદર ૧.૦૯ ટકા છે.