ઘડિયાળ રીપેરીંગ માટે આવેલા વૃદ્ધ પાકીટ ભૂલી જતા પરત કર્યું

આમોદમાં માનવતા મહેંકી ઉઠી
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તિલક મેદાન ખાતે આવેલા એક કેબિનમાં ગણપત ભાઈ મકવાણા ઘડિયાળ રિપેરીંગનું કામ કરી પોતાનું તથા પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે.ગત રોજ તેમની દુકાન ઉપર એક ગ્રાહક નામે ગફૂર ગેમલસિંહ ઘડિયાળ રીપેરીંગ માટે આવ્યા હતા.પોતાનું ઘડિયાળ રીપેરીંગ થઈ ગયા બાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા
અને પોતાનું લગભગ ૧૦૦૦ રૂપિયાથી ભરેલું પાકીટ ઘડિયાળીની કેબીન ઉપર ભૂલી ગયા હતા.આ બાજુ ઘડિયાળીએ પણ પોતાની દુકાનમાં કોઈ અજાણ્યો ગ્રાહક પાકીટ ભૂલી ગયો હોવાનું જાણતાં તેઓ પણ ગ્રાહકની શોધમાં લાગી ગયા હતા.ત્યાર બાદ પાકીટ ખોલીને જાેતાં તેમાં ૧૦૦૦ રૂપિયા તેમજ અન્ય છુટા પૈસા પણ હતા.
તેમજ પાકિટમાં ગ્રાહકે કોઈ સોનીની દુકાને ગીરવે મુકેલી વસ્તુનું બિલ પણ હતું.જેમાં ગ્રહકનું નામ લખેલું હતું. જેથી ઘડિયાળી ગણપત મકવાણાએ તેમની શોધખોળ આદરી હતી.પરંતુ આજે સવારે જ જે ગ્રાહક પાકીટ ભૂલી ગયા હતા તે વૃદ્ધ તેમની દુકાને પોતાનું પાકીટ ભૂલી ગયા હોવાની વાત કરી હતી.
જેથી ઘડિયાળીએ ખાતરી કરી લીધા બાદ તેમણે રૂપિયાથી ભરેલું પાકીટ પરત કર્યું હતું અને રમઝાન માસમાં મુસ્લિમ વૃદ્ધને પાકીટ પરત આપી માનવતા મહેકાવી હતી.
પાકીટ પરત મળતા ગદગદિત બનેલા ગફૂર ગેમલસિંહ નામના મુસ્લિમ વૃદ્ધે જણાવ્યું હતું કે રમઝાન મહિના બાદ ઈદની ઉજવણી માટે મારી પાસે આટલી જ રકમ હતી. જેથી તેમણે દુઆ સલામ કરી ગણપત મકવાણાનો આભાર વ્યક્ત કર્યો હતો.*