કલેક્ટરનું બોર્ડ લગાવેલી કારમાં દારૂ સાથે રાજકોટના ત્રણ શખ્સ ઝડપાયા
કલેક્ટર કચેરીમાં ભાડામાં ચાલતી કારના ચાલકે મિત્રો સાથે હેરાફેરી શરૂ કરી હતી
ચોટીલા, ચોટીલા હાઈવે પરથી પોલીસે બાતમીના આધારે રાજકોટ એડી. કલેક્ટર રૂરલ ડેવલપમેન્ટનું બોર્ડ લગાવેલી કારને ઝડપી લઈ તલાસી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવતા કબજે કરી પોલીસે રાજકોટના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે કુઢડા ગામના બુટલેગરની શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે ચોટીલા હાઈવે પર સરકારી વાહનોમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે ચોટીલા પીઆઈ નયનકુમાર ચૌહાણ તથા સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન રાજકોટ એડી. કલેક્ટર લખેલું બોર્ડ અને સાઈરન લગાવેલી કાર નીકળતા અટકાવવાનો પ્રયાસ કરતા કાર નાસી છૂટી હતી અને પોલીસે પીછો કરી કારને ઝડપી લઈ તલાસી લેતા તેમાંથી ૧પપ બોટલ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ-કાર સહિત રૂા. પ.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે કારમાં રહેલા રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ચાલક યશપાલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, યુવરાજ પ્રકાશ ચુડાસમા અને કિશન અનિલ ગોસ્વામીને ઝડપી લીધા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં કારચાલક યશપાલસિંહ ઝાલાના ભાઈની આ કાર હતી. અને કલેક્ટર કચેરીમાં ભાડે ચાલતી હતી.
ત્રણેય શખ્સોએ ભાગીદારીમાં દારૂનો ધંધો શરૂ કર્યો હતો અને આ દારૂનો જથ્થો ચોટીલાના કુઢડા ગામે રહેતા જયરાજ કાઠી પાસેથી લાવ્યાનું ખુલ્યું હતું. પોલીસે જયરાજ કાઠીની શાધખોળ શરૂ કરી હતી. સરકારી વાહનોની આડમાં દારૂની હેરાફેરી ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.