સોનુ સૂદે ભવ્ય ગાંધીના પિતાની મદદે આવ્યો હતો
મુંબઈ: સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુનો રોલ કરી ચૂકેલા એક્ટર ભવ્ય ગાંધીના પિતાનું ૧૧ મેના રોજ કોરોનાના કારણે અવસાન થયું છે. પિતાના નિધનના બે દિવસ બાદ ભવ્ય ગાંધીએ સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ લખી છે અને જણાવ્યું છે કે, તેના પિતા કોરોના સામે રાજાની જેમ લડ્યા હતા. સાથે જ ભવ્યએ લોકોને રસી લઈ લેવાની પણ અપીલ કરી છે. ભવ્યએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી નોટમાં લખ્યું, ૯મી એપ્રિલે મારા પપ્પાને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યારથી જ તેઓ યોગ્ય દવાઓ લઈ રહ્યા હતા અને ડૉક્ટરના ઓબ્ઝર્વેશનમાં હતા.
તેઓ છેલ્લા શ્વાસ સુધી યુદ્ધ મેદાનમાં ઊભા રહ્યા અને કોવિડ સામે રાજાની જેમ લડત આપી હતી. મારા જીવનમાં જે કંઈપણ સારું હતું, છે અને થશે તે તેમને આભારી રહેશે. કોવિડ પહેલા અને પછી પણ મારા પિતા પોતાની ખૂબ કાળજી લેતા હતા છતાં તેઓ સંક્રમિત થયા હતા. તમને સૌને વિનંતી કરું છું કે મહેરબાની કરીને રસી લઈ લેજાે. કોઈપણ ખોટી વાર્તામાં ના ફસાશો. આ જીવલેણ વાયરસથી બચવાનો એકમાત્ર વિકલ્પ રસી છે.
નોટમાં આગળ ભવ્યએ ડૉક્ટરો તેમજ સોનુ સૂદનો આભાર માન્યો છે. મારા પપ્પા જે-જે હોસ્પિટલોમાં દાખલ થયા હતા ત્યાંના તબીબો, નર્સો અને બધા જ સ્ટાફ મેમ્બર્સનો આભાર. સોનુ સૂદ સર, રાકેશ કોઠારી, નરેન્દ્ર હિરાની, પિનાકિન શાહ અને ધર્પેશ છાજદે વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ કરાવી આપવા માટે આભાર. અમારા પરિવાર, વિસ્તૃત પરિવાર અને મારા વહાલા મિત્રો કે જેમણે આ મુશ્કેલ સમયમાં અમારી મદદ કરી તે સર્વેનો આભાર. તમારા સૌની પ્રાર્થનાઓ અને આશીર્વાદ માટે આભાર”, તેમ ભવ્યએ લખ્યું. નોટના અંતે ભવ્યએ પિતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતાં લખ્યું, મને ખબર છે પપ્પા તમે જ્યાં પણ હશો ત્યાં ખુશ હશો. મને બધું જ શીખવવા માટે આભાર પપ્પા.
ફરી મળીએ ત્યાં સુધી. જણાવી દઈએ કે, ભવ્યના પપ્પાએ ૧ મહિના સુધી કોવિડ સામે લડત આપી હતી. એક મહિના સુધી પરિવારે વેઠેલી યાતના અંગે તેના મમ્મા યશોદા ગાંધીએ ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી. ભવ્યના માસીના દીકરા અને એક્ટર સમય શાહે પણ માસાને કવિતા દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં ગોગી’નો રોલ કરતાં એક્ટરે માસા સાથે તસવીર શેર કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.