કોવિડ હૉસ્પિટલોમાં વીજ પુરવઠો ન ખોરવાય તથા વાવાઝોડા સામેની તમામ તૈયારીઓ કરાઇઃ રૂપાણી
ગાંધીનગર: અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી વાવાઝોડુ હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે. તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા ૦૬ કલાકથી આશરે ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે. હાલ રાજ્યમાં કોરોનાના હાહાકાર સાથે ટોક્તે વાવાઝોડું આવવાની સંભાવનાને કારણે અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાવવામાં આવી હતી. જે બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું કે, આજે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે અને તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ અંગે જણાવ્યું કે, હવામાન વિભાગની સ્પષ્ટ આગાહી છે કે, આજે સાંજે એટલે આઠ વાગ્યા પછી ગુજરાતમાં ગમે ત્યારે વાવાઝોડું ત્રાટકશે. તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભારે વરસાદ અને પવનને કારણે દરિયાકાંઠે રહેતા કાચા મકાનમાં રહેતા તથા અન્ય લોકોનું સંથળાંતર કરવાનાં આદેશો અપાઇ ગયા છે. આ અંગેની કામગીરી ચાલી રહી છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, રાજ્યની તમામ કોવિડ હૉસ્પિટલો જ્યાં આ વાવાઝોડાની અસર નહીં થાય ત્યાં પણ આદેશ આપવામાં આવ્યાં છે કે, ઇલેક્ટ્રિસિટી બેકઅપ તૈયર કરી લે. તમામ હૉસ્પિટલોમાં વીજ પુરવઠામાં વિક્ષેપ ન આવે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. વીજકંપનીઓનાં કર્મચારીઓની ૬૬૧ ટીમ ગોઢવવામાં આવી છે. આ સાથે પાવર બેકઅપ આશરે ૧૪૨૮ જગ્યાએ ઉભા કરવામાં આવ્યાં છે. એક મિનિટ પણ કોઇપણ હૉસ્પિટલ પાવર વગર ન રહે તે માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
આ વાવાઝોડું મુંબઈની પશ્ચિમે ૧૫૦ કિલોમીટર, દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે ૨૨૦ કિલોમીટર, વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી આશરે ૨૬૦ કિલોમીટર તથા પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ ૪૯૦ કિલોમીટરના અંતરે છે.
એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે, તારીખ ૧૭ મે, ૨૦૨૧ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે ૮.૦૦થી રાત્રિના ૧૧.૦૦ કલાક દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે ૧૫૫-૧૬૫ કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા ૧૮૫ કિમી/કલાક પણ થઇ શકે છે.