Western Times News

Gujarati News

અમદાવાદમાં વાવાઝોડાની મોટી અસર, ૨૪ જગ્યાઓએ વૃક્ષ પડ્યા, કોરોના ટેસ્ટના ડોમ તૂટ્યા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટાઉટે વાવાઝોડાને પગલે મોટું નુકશાન થયું છે. અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ શહેરીજનોને રાહત તો થઈ છે પરંતુ વાવાઝોડાની અસરને પગલે શહેરમાં ૨૪ જગ્યાએ વૃક્ષો ધરાશાઈની ઘટના બની છે. જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે એક વિશાળવૃક્ષ તૂટી પડતા ચાર જેટલી ગાડીઓને નુકસાન થયુ છે. જ્યારે ફૂલ બજાર પાસે ૭૦ વર્ષ જૂનું લીમડાનું વૃક્ષ ધરાશાઈ થતાં મંદિર તૂટી ગયું છે. આ અંગે મધ્ય ઝોનના સિનિયર સેક્શન ઓફિસર મિલનના કહેવા પ્રમાણે ગઈકાલ રાતથી આજે બપોરના બાર વાગ્યા સુધી કુલ ૨૪ ઘટના બની છે. જેમાં ગાર્ડન વિભાગ દ્વારા ઉભા કરવામાં આવેલા કંટ્રોલ રૂમને જાણ થઈ હતી. ખાસ અમદાવાદના દરિયાપુર, બહેરામપુરા, મણિનગર, જમાલપુર વિસ્તારમાં સૌથી વધુ નુકશાન થયું છે.

અમદાવાદ ફાયર કંટ્રોલ પાસે શહેરના જમાલપુર ઉપરાંત બહેરામપુરા અને મણિનગર વિસ્તારમાં વૃક્ષ પડવાની ૧૫ ફરિયાદો રવિવારે સાંજે ૬થી ૮માં મળવા પામી હતી. આ સિવાય શહેરના અન્ય વિસ્તારોમાં પણ ૧૦ જેટલા વૃક્ષ ધરાશાયી થવાની ફરિયાદો ફાયર અને બગીચા વિભાગને મળવા પામી હતી. આ અંગે કંટ્રોલ રૂમ ઇન્ચાર્જ હિતેશ કોન્ટ્રાક્ટરના જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેરમાં વાવાઝોડાની અસરને પગલે રિવરફ્રન્ટ પાવર હાઉસ ખાતે કંટ્રોલ કરવામાં આવ્યો છે. આ સિવાય અમદાવાદ શહેરના સાથે ઝોનમાં કંટ્રોલ રૂમ ઉભો કર્યો છે.

જેમાં ઇજનેર ખાતું, એસ્ટેટ ખાતું, ફાયર વિભાગ સહિત તમામ ટીમો છે. ગાર્ડન વિભાગ દ્વારા પણ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે જેથી તે જે સ્થાન વૃક્ષ ધરાશાયી થયું હોય અને મોટું નુકસાન હોય ત્યાં તાત્કાલિક પહોંચી શકાય.

અમદાવાદ મ્યુનિ. ના ઈજનેર વિભાગ દ્વારા મેમ્કો ઉપરાંત મણિનગર, વિરાટનગર, ઉસ્માનપુરા, જાેધપુર, જમાલપુર અને દુધેશ્વર ખાતે જ્યારે ગાર્ડન વિભાગ દ્વારા મેમ્કો ઉપરાંત દેડકી ગાર્ડન, મણિનગર, ચકુડીયા, નવદીપ હોલની બાજુમાં વનીકરણ ઓફીસ, વસ્ત્રાપુર લેક, જાેધપુર અને સરદારબાગ તથા ફાયર વિભાગ દ્વારા પાલડી કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જેની અપડેટ સીધી રિવરફ્રન્ટ પાવર હાઉસ ખાતે આપવામાં આવે છે.ખાસ ફાયર વિભાગને કોલ કરતા સ્થિતિ અંગે કોર્પોરેશનને જાણ કરવામાં આવશે અને ટીમ સ્થળ પર રિયલ ટાઇમમાં પહોંચશે.

અમદાવાદ શહેરમાં ઉભા કરવામાં આવેલા કોરોના ડોમને મોટું નુકશાન થયું છે. જીએમડીસી ખાતે કોરોના ડોમ તૂટી જતાં ટેસ્ટિંગ પ્રોસેસ સવારના સમયે અટવાઈ હતી પરંતુ ૧૦ વાગે બાદ ફરી કોરોના ટેસ્ટ ડ્રાઇવ થ્રૂ શુરૂ કરી દેવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.