તૃણમૂલના ધારાસભ્ય મિત્રા, પૂર્વ મંત્રી ચેટર્જી અને સુબ્રત મુખર્જી હોસ્પિટલમાં દાખલ

કોલકતા: નારદા સ્ટિંગ કેસમાં ધરપકડ કરાયેલા તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ મંત્રી શોવન ચેટર્જીની તબિયત સોમવારે મોડી રાત્રે બગડી હતી. આ પછી બંને નેતાઓ મોડી રાત્રે પ્રેસિડેન્સી જેલથી એસએસસકેએમ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાર બાદ સવારે ટીએમસી નેતા સુબ્રત મુખર્જીને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ હતી. આ ત્રણેય ઉપરાંત ફિરહાદ હાકિમની સોમવારે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ પહેલાં સોમવારે સીબીઆઇએ અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ મમતા સરકારના મંત્રીઓ, ફિરહાદ, સુબ્રત, ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ મેયર શોવનની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ કર્યા બાદ તમામની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. સીબીઆઇ કોર્ટ પાસેથી આ ચારેય નેતાઓની કસ્ટડી માગી હતી, પરંતુ સાંજે અનુપમ મુખર્જીની વિશેષ કોર્ટે તેમને ૫૦-૫૦ હજાર રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા.
આ પછી સીબીઆઇએ હાઇકોર્ટમાં કાર્યવાહી કરી. એજન્સીએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેઓ અહીં યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી અને તેમની તપાસને અસર થઈ રહી છે. આ પછી પાંચ કલાકમાં જ હાઇકોર્ટે વિશેષ કોર્ટના ચુકાદા પર પ્રતિબંધ લગાવતાં ચારેય નેતાઓના જામીનના આદેશનો ઇનકાર કર્યો હતો.
વર્ષ ૨૦૧૬માં બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં નારદા ન્યૂઝ પોર્ટલ દ્વારા આ ટેપ બહાર પાડવામાં આવી હતી. આ સ્ટિંગ ઓપરેશન પછી દાવો કરવામાં આવ્યો હતો કે આ ટેપ્સ ૨૦૧૪માં રેકોર્ડ કરવામાં આવી હતી. ટેપના હવાલેથી તૃણમૂલના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો પર ડમી કંપનીઓ પાસેથી રોકડ લેવાનો આરોપ હતો. આ કેસ કલકત્તા હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે ૨૦૧૭માં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો