ગુજરાતના ૨૨૭ તાલુકામાં વરસાદ, સૌથી વધુ નડિયાદમાં ૯ ઇંચ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Rain-1-1024x538.jpg)
પ્રતિકાત્મક
અમદાવાદ: વાવાઝોડાનાપગલે સોમવારથી ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજી ત્રણ દિવસ રાજ્યમાં ધોધમારથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત કુલ ૨૩ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. ગુરૂવાર અને શુક્રવારે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદની આગાહી છે શુક્રવારે સવારથી શનિવારે સવારે છ વાગ્યા સુધીનાં વરસાદની વાત કરીએ તો ૨૨૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ખેડાનાં નડિયાદમાં ૯.૦૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગીરસોમનાથમાં ૭.૪ ઇંચ વરસાદ નોંધાયો છે.
વાવાઝોડાના પગલે ગુજરાતમાં મે મહિનામાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વરસાદનાં આંકડાની વાત કરીએ તો, ખેડાનાં નડિયાદમાં ૯.૦૪ ઇંચ, ગીરસોમનાથમાં ૭.૪ ઇંચ, ઉનામાં ૭.૦૮, ભાવનગરમાં ૬.૫૬, ખેડામાં ૬.૫૨, આણંદમાં ૬.૩૬, વલસાડનાં ઉમરગામમાં ૦૬.૦૮ ઇંચ, માતારમાં ૫.૯૨, પારડીમાં ૫, ખંભાતમાં ૫.૨ ઇંચ, સુરતમાં ૫ ઇંચ અને અમદાવાદમાં ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
વરસાદની આગાહીની વાત કરીએ તો, હવામાન વિભાગે જણાવ્યાં પ્રમાણે, આજે એટલે ૧૯મીએ સાબરકાંઠા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, બોટાદ અને જામનગરમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે. આ તમામ વિસ્તારમાં પ્રતિકલાકે ૪૦થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
જ્યારે આવતી કાલે એટલે ૨૦મી તારીખે, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી અને કચ્છમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડશે તથા પ્રતિ કલાકે ૩૦થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે