૯૦ ટકા ઊભો પાક બરબાદ થઈ ગયો હોવાની આશંકા
જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ તેમજ બોટાદમાં સૌથી વધુ નુક્સાન થયું છે.
અમદાવાદ, પ્રાથમિક અંદાજ અનુસાર, તૌકતે વાવાઝોડાંને કારણે સૌરાષ્ટ્રમાં લગભગ ૯૦ ટકા ઉભો પાક તબાહ થઈ ગયો છે. આ વાવાઝોડું સોમવારે રાત્રે ગુજરાત પર ત્રાટક્યું હતું, અને મંગળવારે રાત સુધી તેની અસર જાેવા મળી હતી. કૃષિ વિભાગ દ્વારા આગામી દિવસોમાં ખેતીને થયેલા નુક્સાનની વિગતવાર માહિતી મેળવવા આવતા સપ્તાહથી સર્વેની કામગીરી હાથ ધરાશે.
જાેકે, વાવાઝોડાંનું જાેર જાેતાં નુક્સાનીનું પ્રમાણ ૯૦ ટકા જેટલું ઉંચું રહેવાનું સરકારી સૂત્રો અંદરખાને જણાવી રહ્યા છે. સૌથી વધુ નુક્સાન દરિયાકાંઠાના વિસ્તારોમાં થયું છે, જ્યાં વાવાઝોડાંને કારણે ૧૬૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જ્યારે અંદરના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને પવનને કારણે ૭૦ ટકા જેટલું નુક્સાન થયું છે.
જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ તેમજ બોટાદમાં સૌથી વધુ નુક્સાન થયું છે. કોડીનારના ખેડૂત મનોજ બારડના જણાવ્યા અનુસાર, તેમણે આ વખતે મગનું વાવેતર કર્યું હતું, પરંતુ વાવાઝોડાં અને વરસાદમાં તેમનું આખું ખેતર જ ધોવાઈ ગયું છે.
આટલું જ નહીં, તેમના ખેતરમાં વાવેલી ૨૦ ટકા નારિયેળી પણ ઉખડી ગઈ છે. તેમણે કહ્યું હતું કે વાવાઝોડું આટલું ઘાતક નીવડશે તેનો કોઈને અંદાજ નહોતો. ધારીના ખેડૂત અરવિંદ દવે જણાવે છે કે, તેમણે ઉનાળું પાકમાં મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ તૌકતેમાં બધો પાક તબાહ થઈ ગયો છે.
કૃષિ વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રમાં ૯૦ ટકા ઉભો પાક નાશ પામ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં થયેલા નુક્સાનનો પ્રાથમિક અંદાજ હજુ મેળવવાનો બાકી છે. જાે ઉત્તર ગુજરાતમાં પવનની ઝડપ ૬૦ કિમી પ્રતિ કલાકથી વધુ રહી હોય તો ત્યાં પણ વ્યાપક નુક્સાનની શક્યતા છે.
સામાન્ય રીતે આ સમયે આઠેક લાખ જમીન પર વાવેતર થયેલું હોય છે. આ વખતે પાણીનો પ્રશ્ન ના હોવાથી ૧૦.૫ લાખ હેક્ટર જમીન પર વાવેતર થયું હતું, જેથી નુક્સાન પણ વધુ રહેવાની શક્યતા છે. આ વર્ષે બાજરા અને મગનું વાવેતર ૫૯,૦૦૦ એકર જમીન પર કરાયું હતું, જ્યારે મગફળીનો વાવેતર વિસ્તાર ૬૦,૦૦૦ હેક્ટર જેટલો હતો.
આ વખતે તલનો વાવેતર વિસ્તાર પણ ખાસ્સો વધ્યો હતો. ગયા વર્ષે ૩૧,૦૦૦ હેક્ટર જમીન પર તલ વાવવામાં આવ્યા હતા, જ્યારે આ વખતે આ પ્રમાણ ૯૮,૦૦૦ હેક્ટર હતું. એક અંદાજ પ્રમાણે રાજ્યના ૧૦.૫ લાખ વાવેતર વિસ્તારમાંથી ૩૦ ટકા સૌરાષ્ટ્રમાં, ૪૦ ટકા ઉત્તર ગુજરાતમાં અને ૨૩ ટકા મધ્ય ગુજરાતમાં નોંધાયો હતો. જાે ઉત્તર ગુજરાતમાં થયેલું નુક્સાન સૌરાષ્ટ્ર જેટલું વ્યાપક હશે તો રાજ્યમાં લગભગ ૬૦ ટકા ઉભો પાક વાવાઝોડાંને કારણે તબાહ થઈ જશે.