ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહ કોરોનાની ઝપટમાં આવ્યા
ચંડીગઢ: ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહ કોરોનાવાયરસની ઝપટમાં આવી ગયા છે. તેમની પત્ની ર્નિમલ કૌરે જણાવ્યું હતું કે તેમની હાલત સ્થિર છે, અને તેમને ચંદીગઢમાં હોમ આઇસોલેશનમાં સ્થળાંતર કરવામાં આવેલ છે.
આપને જણાવી દઇએ કે, મિલ્ખા સિંહ, કોરોના વાયરસની તપાસમાં પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને તે ચંદીગઢમાં તેમના નિવાસસ્થાન પર ક્વોરેન્ટીનમાં છે. ‘ફ્લાઈંગ શીખ’ તરીકે જાણીતા ૯૧ વર્ષીય મિલ્ખા સિંહમાં કોવિડ-૧૯ નાં લક્ષણો નથી. મિલ્ખા સિંહે કહ્યું, “અમારા કેટલાક હેલ્પર પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે તેથી પરિવારનાં બધા સભ્યોની તપાસ કરવામાં આવી હતી.
ફક્ત મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મને આશ્ચર્ય થયું છે. તેમણે વધુમાં કહ્યું કે,” હું સંપૂર્ણપણે ઠીક છું અને મને તાવ કે કફ નથી. મારા ડોક્ટરે કહ્યું છે કે ત્રણથી ચાર દિવસમાં હું સ્વસ્થ થઈ જઈશ. મેં ગઈકાલે જાેગિંગ કરી હતી.”
પાંચ વખતનાં એશિયન ગેમ્સનાં સુવર્ણચંદ્રક વિજેતા મિલ્ખા સિંહ ૧૯૬૦ નાં રોમ ઓલિમ્પિક્સમાં ૪૦૦ મીટરની ફાઇનલમાં ચોથા સ્થાને રહ્યા હતા. મિલ્ખાનો પુત્ર ગોલ્ફર જીવ મિલ્ખા સિંહ દુબઇમાં છે અને તે આ અઠવાડિયામાં પરત ફરશે. નોંધપાત્ર વાત એ છે કે, એક વર્ષ પહેલા, ૯૧ વર્ષીય મિલ્ખા સિંહ અને તેમના પુત્ર ગોલ્ફર જીવ મિલ્ખા સિંહે કોવિડ-૧૯ સામે લડવા માટે ૨ લાખ રૂપિયા દાન આપ્યા હતા. ‘ધ ફ્લાઈંગ શીખ’ તરીકે ઓળખાતા મિલ્ખા સિંહે તેમની કારકિર્દીમાં ઘણી યાદગાર દૌડ લગાવી છે. રોમમાં ૧૯૬૦ ની ઓલિમ્પિક રમતોત્સવમાં તેઓ ૪૦૦ મીટરની દોડ માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે, જ્યાં તે ઓલિમ્પિક ઇવેન્ટની ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા.