Western Times News

Gujarati News

ગુજરાતમાં ૧૫મી જૂન બાદ નૈઋત્યનું ચોમાસુ બેસી શકે છે

Files Photo

બે વર્ષથી ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહ્યું છે, ગત વર્ષે એવરેજ ૪૪.૭૭ ઈંચ વરસાદ નોંધાયો હતો ઃ આ વર્ષે વરસાદ સામાન્ય રહેશે તેવી આગાહી

અમદાવાદ: તાઉતે વાવાઝોડાંને કારણે ચોમાસા પહેલા જ ધમધોકાર વરસાદ પડી ગયા બાદ આખરે હવે રાજ્યમા સત્તાવાર ચોમાસું ક્યારથી શરુ થશે તેની તારીખ પણ આવી ગઈ છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ગયા વર્ષની સરખામણીએ આ વખતે મેઘરાજાનું આગમન વહેલું થશે. જાે રાજ્યમાં ચોમાસું શરુ થવાની સત્તાવાર તારીખની વાત કરવામાં આવે તો ૧૫ જૂન બાદ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે.

આ વર્ષે વરસાદ સામાન્ય રહેશે તેવી આગાહી હવામાન ખાતું પહેલા જ કરી ચૂક્યું છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહ્યું છે. ગત વર્ષે ગુજરાતમાં એવરેજ ૪૪.૭૭ ઈંચ વરસાદ નોંધાયો હતો, અને ચોમાસું પણ પ્રમાણમાં ઘણું સારું રહ્યું હતું. તેમાંય સૂકા ગણાતા કચ્છમાં તો ૪૫.૭૪ ઈંચ સાથે સીઝનનો ૨૮૨.૦૮ ટકા વરસાદ પડ્યો હતો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગત વર્ષે ૬૮.૧૧ ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ જ ટ્રેન્ડ આ વર્ષે પણ જળવાઈ રહે તેવી શક્યતા છે. હવામાન ખાતાનું કહેવું છે કે હવે નૈઋત્યનું ચોમાસું દક્ષિણ આંદમાન સમુદ્ર અને દક્ષિણપૂર્વની બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે. જ્યારે કેરળમાં પણ મેના અંતિમ દિવસોથી લઈ બે જૂન સુધીમાં ચોમાસુ એન્ટ્રી કરી શકે છે. ત્યારબાદ તે ધીરે-ધીરે દેશના બીજા હિસ્સાઓ તરફ આગળ વધશે, અને ૧૫ જૂન સુધીમાં તે ગુજરાતમાં પણ આવી પહોંચે તેવી શક્યતા છે.

બંગાળની ખાડીમાં ૨૨મી મેથી લૉ પ્રેશર સર્જાવાનું શરુ થઈ શકે છે, જે ૨૪મી મેથી સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. જેની અસર ૨૬મી મે સુધીમાં ઉત્તર-પશ્ચિમ દિશાથી ઓડિશા-બંગાળ પર વરતાઈ શકે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં પડેલા વરસાદની વાત કરીએ તો, ૨૦૧૬માં રાજ્યમાં ૨૮.૬૧ ઈંચ સરેરાશ વરસાદ પડ્યો હતો.

જે કુલ મૌસમનો ૯૧.૧૭ ટકા હતો. ૨૦૧૭માં વરસાદની સરેરાશ ટકાવારી ૩૫.૭૭ ટકા રહી હતી, જે કુલ સીઝનની ૧૧૨.૧૮ ટકા જેટલી હતી. જ્યારે ૨૦૧૮માં ચોમાસુ ખૂબ નબળું રહ્યું હતું. તે વખતે સીઝનનો ૭૬.૭૩ એટલે કે ૨૫.૧૦ ઈંચ વરસાદ જ પડ્યો હતો. જ્યારે ૨૦૧૯ અને ૨૦૨૦માં અનુક્રમે ૪૬.૯૫ અને ૪૪.૭૭ ટકા વરસાદ પડ્યો હતો.

હવામાના ખાતાની આગાહી પ્રમાણે આગામી બે દિવસ રાજ્યમાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જેમાં આણંદ, પંચમહાલ, ડાંગ, તાપી, ખેડા, ભાવનગર અને અમરેલીનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના બાકીના હિસ્સામાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીની આસપાસ રહેશે, પરંતુ બફારાનો અનુભવ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.