ધો. ૫ના ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓના કોચિંગ ક્લાસ ચાલુ, સંચાલક વિરુદ્ધ ગુનો
રાજકોટ: જસદણની આલ્ફા હોસ્ટેલમાં સરકારની ગાઈડલાઈન્સનો ઉલાળ્યો થયો હોય તેમ તંત્રને અવગણી સંચાલક દ્વારા ધો. ૫ના ૫૦૦થી વધુ વિદ્યાર્થીના કોચિંગ ક્લાસ ચાલુ હતા. આ અંગેની બાતમી મળતાં જસદણ મામલતદાર દ્વારા પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં હોસ્ટેલના સંચાલક જયસુખ સંખારવાને રંગેહાથ પોલીસે પકડી પાડ્યો હતો તેમજ તેમની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો જસદણ પોલીસમાં મામલતદાર દ્વારા નોંધવામાં આવ્યો છે.
હાલ કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા ટ્યૂશન ક્લાસ અને સ્કૂલો બંધ રાખવાનો ર્નિણય જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ જસદણની આલ્ફા હોસ્ટેલમાં સરેઆમ કોચિંગ ક્લાસ ચાલુ હતા. આ ક્લાસમાં જવાહર નવોદય અને બાલાચડીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. આ કોચિંગ ક્લાસમાં રાજકોટ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાનાં બાળકો હોસ્ટેલમાં હતાં. તમામ વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસમાંથી મામલતદારે છોડાવ્યા હતા અને દરેકનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ૨૪ કલાકમાં તમામ બાળકોને પોતાનાં માતા-પિતા પહોંચાડવામાં આવશે એવી મામલતદારે ખાતરી આપી હતી.
ક્લાસના સંચાલક દ્વારા ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું કેટલું મોંઘું પડી શકે છે એ અંગે વિચાર પણ આવ્યો નહીં હોય, બાળકોના જીવ જાેખમમાં મુકાય તો જવાબદારી કોની? તેવા સવાલો લોકોમાં ઊઠ્યા છે. જસદણના ચિતલિયા રોડ પરની ખાનગી હોસ્ટેલના બિલ્ડિંગમાં જવાહર નવોદય અને બાલાચડીમાં પ્રવેશ મેળવવા માગતા ધો.૫ના વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવતું હોવાની જાણ જસદણ પ્રાંત અધિકારી પ્રિયાંગ ગલચરને થઈ હતી.
આથી મામલતદાર પી.ડી. વાંદા અને તેમની ટીમને તરત સ્થળ પર તપાસ માટે મોકલ્યા હતા. અહીં પહોંચતાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ત્યાં હોવાનું સામે આવતાં તેઓ પણ ચોંકી ઊઠ્યા હતા, આથી ગંભીર બેદરકારી બદલ ક્લાસ-સંચાલક જયસુખ સંખારવા સામે જસદણ શહેર પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાવ્યો હતો. આ મામલે વાલીઓ પણ બેજવાબદાર ગણાય છે, તેમણે કોરોના મહામારીમાં પોતાનાં સંતાનોના જીવને જાેખમમાં મૂકી કોચિંગ ક્લાસમાં મોકલ્યા હતા એવી પણ ચર્ચા લોકોમાં ઊઠી રહી છે. આલ્ફા હોસ્ટેલ દ્વારા તમામ વાલીઓને જાણ કરી દેવામાં આવી છે કે પોતાનાં સંતાનોને ૨૪થી ૨૫ મે સુધીમાં સવારે ૮થી સાંજના ૫ વાગ્યા સુધીમાં લઇ જવા. ૨૪ કલાકમાં તમામ બાળકોને પોતાનાં માતા-પિતા પાસે મોકલવામાં આવશે એની મામલતદારે ખાતરી આપી.