દેશના ત્રણ રાજ્યોમાં અચાનક બાળકોમાં કોરોના સંક્રમણ વધ્યું
નવીદિલ્હી: જાે તમારા બાળકમાં કે પછી કુટુંબના કોઈ પણ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તેનું નાક સતત વહી રહ્યું હોય, તેને સખત તાવ કે પછી ઉધરસ થઈ હોય, પેટમાં દુખાવો થતો હોય તેવી ફરિયાદ બાળક તરફથી સાંભળવા મળતી હોય, બાળકને થાક લાગતો હોય કે પછી તેને ઝાડા-ઊલટી હોય તો તમારે તકેદારી રાખવાની જરૂર છે. બાળકને તરત જ ડોકટર પાસે લઈ જવો.
દેશમાં હવે કોરોનાની બીજી લહેર પૂરી થતી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણકે કોરોના સંક્રમણના આંકડા હવે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. વેક્સિન લેવાની પ્રક્રિયા પણ વધી રહી છે. પણ આ બધા સામે હવે એક નવી મુશ્કેલી સામે આવીને ઊભી રહી છે. કારણકે હવે આ સંક્રમણ બાળકોમાં ઘણું ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજસ્થાનના દૌસા જિલ્લામાં ૩૦૦ બાળકો અને સીકર જિલ્લામાં ૧૭૫૭ બાળકો અત્યાર સુધીમાં સંક્રમિત થઈ ચૂક્યા છે. બીજા રાજ્ય મધ્યપ્રદેશની વાત કરીએ તો તેમ આ ૩૦૨ બાળકો સંક્રમિત થયા છે. જ્યારે ઉત્તરાખંડમાં ૨૦૪૪ બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે. સાથે જ આ બાળકોમાંથી મોટાભાગના બાળકો સારવારથી સ્વસ્થ થઈ ગયા છે. પણ ચિંતાની વાત એ છે કે બાળકોના મોતના પણ સમાચાર સામે આવ્યા છે.
સૌથી વધુ બાળકોનું સંક્રમણ રાજસ્થાનમાં ફેલાઈ રહ્યું છે. જ્યાં છેલ્લા ૨૨ દિવસમાં બાળકમાં સંક્રમણ ફેલાવવાના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. પણ બાળકોમાં કોરોનાના જટિલ અને ગંભીર લક્ષણો નથી જાેવા મળ્યા. ત્યાંનાં સ્વાસ્થ્ય વિભાગે દરેક માતા-પિતાને વિનંતી કરી છે કે પોતાના બાળકની કાળજી રાખે. મધ્યપ્રદેશમાં પણ બાળકોમાં કોરોનાનો વ્યાપ વધી ગયો છે. ત્યાં છેલ્લા એક મહિનામાં ૩૦૨ બાળકો સંક્રમિત થઈ ગયા છે અને ચાર બાળકોના મોત થઈ ચૂક્યા છે. ત્યાં બાળકો માટે કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તરાખંડમાં ૨૦૪૪ બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે.