Western Times News

Gujarati News

કોરોના વાયરસથી માત્ર ૧૨ દિવસમાં ૫૦૦૦૦ના જીવ ગયા

Files Photo

૨૬ દિવસની અંદર ૧ લાખ લોકોના કોરોનાના લીધે મોત થઈ ગયા છે, ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે જ્યાં કોરોનાથી થતા મૃત્યુ આટલા ઝડપથી વધ્યા

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કારણે ૩ લાખથી વધારે લોકોનો જીવ ગયો છે. આંકડો ૩ લાખને પાર કરી ગયો છે, જેમાં છેલ્લા ૧૨ જ દિવસ પહેલા આંકડો ૨.૫ લાખ પર હતો. ભારતમાં માત્ર ૨૬ દિવસની અંદર ૧ લાખ લોકોના કોરોનાના લીધે મોત થઈ ગયા છે, ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે જ્યાં કોરોનાથી થતા મૃત્યુ આટલા ઝડપથી વધ્યા છે, જેમાં ૩૦ દિવસમાં ૧ લાખ મૃત્યુ નોંધાયા છે.

વર્લ્‌ડઓમીટર.ઈન્ફો મુજબ અમેરિકામાં ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ૩૧ દિવસમાં ૩.૫ લાખથી કોરોનાનો મૃત્યુઆંક ૪.૫ પર પહોંચ્યો હતો. દુનિયામાં કોરોનાથી વધુ દર્દીઓના મોત થયા હોય તેવા દેશોમાં ભારત ત્રીજા નંબર પર છે. આ પહેલા ૬ લાખથી વધુ મોત સાથે અમેરિકા પહેલા અને ૪.૫ લાખ મોત સાથે બ્રાઝિલ બીજા નંબરે છે. ભારતમાં બીજી લહેર દરમિયાન કોરોનાના કુલ મૃત્યુમાંથી અડધા જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, ફેબ્રુઆરી ૧૫થી ભારતમાં કોરોનાના લીધે ૧.૪૮ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.

માત્ર મે મહિનાના ૨૩ દિવસોમાં ભારતમાં કોરોનાના લીધે ૯૨,૦૦૦ કરતા વધુ દર્દીઓના જીવ ગયા છે. જે એપ્રિલ મહિના કરતા લગભગ બમણા થાય છે, એપ્રિલમાં ૪૮,૭૬૮ દર્દીઓના કોરોનાથી મોત થયા હતા. કેટલાક એક્સપર્ટનું માનવું છે કે, બીજી લહેર દરમિયાન કોરોનાના લીધે થયેલા તમામ મૃત્યુના આંકડા નોંધાયા નથી. શહેરોમાં કોવિડ-પ્રોટોકોલ સાથેના અગ્નિદાહની સંખ્યામાં વિસંગતતાઓ તરફ ઈશારો કરે છે. બીજી તરફ નવા કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ૮મી મેની આસપાસ કોરોનાના દૈનિક કેસ પીક પર પહોંચ્યા બાદ તેમાં મોટો ઘટાડો નોંધાયો છે, આ પછી દૈનિક કેસમાં સરેરાશ ૩૨% જેટલો ઘટાડો નોંધાયો છે.

૮મે દરમિયાન સરેરાશ ૩.૯૧ લાખ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૨ મેના રોજ ૨.૬૪ લાખ કેસ નોંધાયા. બીજી તરફ સાત દિવસમાં થતા સરેરાશ મૃત્યુઆંકમાં માત્ર ૫%નો ઘટાડો નોંધાયો છે, ૧૮ મેના રોજ ભારતમાં કોરોનાનો દૈનિક મૃત્યુઆંક ૪,૫૨૯ સાથે પીક પર પહોંચ્યો હતો. જે પછી તેમાં થનારા ઘટાડાની ગતિ ઘણી જ ધીમી રહી છે. ૨૨મી મેના રોજ વધુ ૩,૮૩૮ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં મહારાષ્ટ્રમાં કોરોનાના લીધે સૌથી વધુ મોત થયા છે, જેમાં અત્યાર સુધીમાં ૮૮,૬૨૦ દર્દીઓના જીવ ગયા છે.

જેમાંથી ૩૭,૦૬૮ લોકોના ૧૫ ફેબ્રુઆરી પછી એટલે કે બીજી લહેર દરમિયાન મોત થયા છે. કોરોનાના કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર અને તામિલનાડુ સિવાયના ત્રણ રાજ્યો પહેલી લહેરમાં ટોપ પર રહ્યા હતા જ્યાં બીજી લહેરમાં મૃત્યુઆંક ઓછા રહ્યા છે. કર્ણાટકા બીજા નંબરનું રાજ્ય છે કે જ્યાં સૌથી વધુ ૨૫,૨૮૪ દર્દીઓના કોરોનાથી મોત થયા છે, જેમાંથી ૧૫ ફેબ્રુઆરી પછી ૧૩,૦૧૭ના મોત થયા છે. આ જ રીતે દિલ્હીમાં ૨૩,૨૦૨ દર્દીઓના જીવ ગયા છે જેમાંથી બીજી લહેર દરમિયાન ૧૨,૩૦૯નાં મોત થયા છે. ઉત્તરપ્રદેશમાં ૧૯,૨૨૪માંથી ૧૦,૫૨૦ના બીજી લહેરમાં મોત થયા. તામિલનાડુમાં ૨૦,૪૬૮માંથી ૮,૦૪૩ના બીજી લહેરમાં મોત થયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.